તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
ભાવનગર જિલ્લામાં લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ પ્રારંભ: 376 બેઠકો માટે સવારથી મતદાન શરૂ, મતદારોમાં અનેરો ઉત્સાહ
મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે કલેક્ટર ડૉ. મનીષ બંસલની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત, CCTVથી મોનિટરિંગ; વૃદ્ધો-દિવ્યાંગો માટે ખાસ સુવિધા

(મેધના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૨૬ : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ભાવનગર જિલ્લામાં આજે રવિવારે સવારે 7 વાગ્યાથી લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક માહોલમાં પ્રારંભ થયો છે.
ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાઓની કુલ 376 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. સવારથી જ મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા મતદારો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલની સીધી દેખરેખ હેઠળ સમગ્ર મતદાન પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે વ્હીલચેર સહિતની ખાસ સુવિધા ઉભી કરાઈ છે. ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને જ્યાં કુદરતી છાયડો નથી ત્યાં મંડપ અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સંવેદનશીલ મતદાન મથકો સહિત તમામ મથકો પર CCTV કેમેરાથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ મતદારોને નિર્ભય થઈને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. મતદાન પ્રક્રિયા સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
