<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો શાંતિપૂર્ણ પ્રારંભ: 16 વોર્ડની 64 બેઠકો માટે 4.42 લાખ મતદારો નક્કી કરશે 206 ઉમેદવારોનું ભાવિ

સવારે 7 વાગ્યાથી 414 મતદાન મથકો પર મતદાન શરૂ, જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા; મતદારોમાં સવારથી જ ઉત્સાહ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રવિવારે સવારે 7:00 વાગ્યાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે.

 

શહેરના વોર્ડ નં. 1 થી 16માં કુલ 64 બેઠકો માટે 206 ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠકો માટે કુલ 4,42,829 મતદારો નોંધાયેલા છે, જેમના માટે 414 મતદાન મથકોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.

 

જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાને લઈને લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદારો ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

 

ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર છાયડો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને મહિલા મતદારો માટે ખાસ સુવિધા ઉભી કરાઈ છે. મતદાન સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

(9:59 AM IST)