તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
કચ્છથી ચોટીલા દર્શને જતાં પદયાત્રી સંઘને ટ્રકે હડફેટે લેતાં એક પદયાત્રીનું મોત : ૩ ને ગંભીર ઈજા
નવરાત્રિ દરમ્યાન કચ્છમાં પદયાત્રીઓનો ધસારો હોઈ હાઇવે ઉપર ટ્રાફિક નિયમન જરૂરી બન્યું છે, વધતા જતા વાહનવ્યવહારથી પદયાત્રીઓ ઉપર ઝળૂંબતું જોખમ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ : નવરાત્રિના પર્વ દરમિયાન કચ્છથી ચોટીલા તરફ દર્શને જનારા પદયાત્રીઓની સંખ્યા વધી રહી છે ત્યારે માર્ગ પર વાહનચાલકોની બેદરકારીના કારણે અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરજબારી ટોલનાકા પાસે શિકારપુર નજીક પદયાત્રીઓના સંઘને પાછળથી ટ્રકે અડફેટે લેતા એક પદયાત્રીનું અરેરાટીભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ વિગતો મુજબ, કચ્છના ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામેથી ચામુંડા માતાજીના દર્શનાર્થે ચોટીલા તરફ પદયાત્રા દ્વારા નીકળેલા સંઘના સભ્યો શિકારપુર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા એક ટ્રકના ચાલકે પદયાત્રીઓના સમૂહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ચંદ્રેશ કોળી નામના યુવાન પદયાત્રીનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્મતમાં કિરણબેન કરશનભાઈ કોળી, નીમુબેન કરશનભાઈ કોળી તથા ગોપાલ ભોજાભાઈ કોળી સહિત અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સામખિયાળી ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. નવરાત્રિના પર્વ દરમિયાન મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચોટીલા તરફ જઈ રહ્યા હોવાથી હાઈવે પર વાહનચાલકો વધુ સાવચેતી રાખે અને પદયાત્રીઓની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખે તેવી માંગ ઉઠી છે. અકસ્માતના બનાવથી મૃતકના પરિવારજનો તથા પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
