તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
મોરબી મચ્છુ-૨ ડેમમાંથી પાણી છોડતા પહેલા પાડા પુલ નીચે રહેતા લોકોનું રાત્રે સ્થળાંતર કરાયુ
મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થતા બેઠા પુલ પર વાહનવ્યવહાર બંધ કરાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૫: મોરબીના મચ્છુ ૨ ડેમમાં પાણીની આવક વધતા શનિવારે વહેલી સવારે ડેમમાંથી પાણી છોડવામાં આવશે. આથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીના પટમાં કે નીચાણવાળા વિસ્તારોમાં કોઈને પણ ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
હાલમાં જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આગમચેતીના ભાગરૂપે પાડાપુલની નીચે રહેતા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા વાહન ફેરવીને એનાઉન્સ પણ ક૨વામાં આવી રહ્યું છે. કોઈ પણ ઈમરજન્સી કે આપાતકાલીન પરિસ્થિતિના સમયે નાગરિકોને તાત્કાલિક સહાયતા માટે મોરબી ફાયર ટીમ તથા જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.
મચ્છુ નદી બે કાંઠે વહી : જવાનોને તૈનાત કરાયા
મચ્છુ ૨ ડેમ ઓવરફ્લો થતા આજે વહેલી સવારે ૪:૦૦ વાગ્યે ડેમના ૪ દરવાજા ૭ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. જેથી બેઠા પુલ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે.
નદીમાં પાણીનું સ્તર વધતા અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે મોરબીનો બેઠો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. પુલ પરથી પસાર થતા વાહનવ્યવહારને અટકાવવા માટે ત્યાં આડસ મૂકી દેવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવાયા છે. નદીકાંઠાના વિસ્તારોમાં પણ સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
