તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
કચ્છમાં સંકલન બેઠકમાં લોક સમસ્યાઓ બાબતે પ્રજાકીય પ્રતિનિધિઓની તડાપીટ
પાણી, ડેમ, રસ્તા, વીજળી અને શિક્ષણના પ્રશ્નો ઉઠ્યા; રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનો સ્પષ્ટ સંદેશ—પ્રજાના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવો, પાણીચોરી કરનાર સામે પોલીસ ફરિયાદ કરો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯ : કચ્છ જિલ્લામાં પાણી, સિંચાઈ, રસ્તા, વીજળી, શિક્ષણ સહિતના પ્રજાકીય પ્રશ્નો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યોએ વિવિધ વિસ્તારોના પ્રશ્નો રજૂ કરી સંબંધિત વિભાગોનું ધ્યાન દોર્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને અને ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પ્રજાની સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવા તેમજ વિભાગો વચ્ચે સંકલન વધારવા ભાર મૂકવામાં આવ્યો હતો.
*બન્ની-પચ્છમમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે?
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે બન્ની-પચ્છમ સહિત કચ્છના વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે લાંબાગાળાનું આયોજન કરવાની રજૂઆત કરી હતી. આગામી ઉનાળામાં પાણીની અછત ઊભી ન થાય અને લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે અત્યારથી જ આયોજન કરવાની જરૂરિયાત તેમણે દર્શાવી હતી. પાણીની સમસ્યા દર વર્ષે ગંભીર ન બને તે માટે આગોતરાં પગલાં લેવા પર ભાર મૂકાયો હતો.
*ડેમ મંજૂર થયા, તો કામમાં વિલંબ કેમ?*
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દયાપર ખાતે સરકારી કોલેજની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. નખત્રાણા તાલુકાના બીબર ગામે મંજૂર થયેલા જાબરી ડેમ તથા તલ-લૈયારી ડેમના નિર્માણમાં થઈ રહેલા વિલંબ અંગે પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત નખત્રાણા બાયપાસ, જર્જરિત પ્રાથમિક શાળાઓનાં ઓરડાં, રસ્તાઓની કથળેલી સ્થિતિ, વીજફોલ્ટ, પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્નો રજૂ કરી સંબંધિત વિભાગોનું ધ્યાન દોર્યું હતું.
*ભચાઉ-રાપરના પ્રશ્નો પણ ગૂંજ્યા*
ભચાઉના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જન્મ-મરણનાં પ્રમાણપત્રોની પ્રક્રિયામાં જોવા મળતી વિસંગતતાઓ અંગે રજૂઆત કરી હતી. ભચાઉ અને રાપર વિસ્તારમાં પાણી, વીજળી, રસ્તા અને સિંચાઈને લગતા પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવા પણ તેમણે ભાર મૂક્યો હતો.
*રાજ્યમંત્રીની અધિકારીઓને સ્પષ્ટ સૂચના : પ્રજાને ધક્કા ન ખવડાવો, પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવો*
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સંકલન બેઠકમાં રજૂ થતા પ્રજાકીય પ્રશ્નોને હકારાત્મક અભિગમથી લઈને પ્રજાના હિતમાં સમયમર્યાદામાં ઉકેલવા તમામ પ્રયાસો થવા જોઈએ. કચ્છમાં થયેલા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાણી સહિતની આવશ્યક સુવિધાઓ માટે સંબંધિત વિભાગોએ અત્યારથી જ આગોતરું આયોજન કરવું જોઈએ.
પાણીચોરીના મુદ્દે કડક વલણ અપનાવતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પાણીચોરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જરૂર જણાય ત્યાં પાણીચોરી કરનાર સામે પોલીસ ફરિયાદ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આગામી સમયમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ચોક્કસ આયોજન, વૈકલ્પિક વ્યવસ્થાઓ અને વિભાગવાર બેઠકો દ્વારા સંકલિત કામગીરી કરવા પણ તેમણે સૂચના આપી હતી. વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કામોમાં ગુણવત્તા જળવાય તથા નિર્ધારિત સમયમર્યાદામાં કામો પૂર્ણ થાય તે જરૂરી હોવાનું જણાવી રાજ્યમંત્રીએ અધિકારીઓ અને પદાધિકારીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
*ફરિયાદો કાગળ પર નહીં, જમીન પર ઉકેલાય : કલેક્ટર*
જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ અધિકારીઓને લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોમાં અંગત રસ લઈ સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. ફરિયાદોના નિકાલમાં ઢીલાશ ન રહે, યોગ્ય અને ત્વરિત નિર્ણયો લેવાય તેમજ પ્રજાની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલતા અને જવાબદારી દાખવવામાં આવે તે જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું . પ્રજાને સમયસર અને અસરકારક સેવાઓ મળે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવવા પણ કલેક્ટરે સૂચના આપી હતી.
આ બેઠકમાં પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, અધિક કલેક્ટર પારસ વિઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નીકુંજ પરીખ, પ્રાંત અધિકારીઓ, જિલ્લા કક્ષાની કચેરીઓના વડાઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
