તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમ ઘટના : ધોરાજીમાં મોહરમના જુલૂસ દરમિયાન ૨૩ માંથી ૧૯ તાજિયા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
જિલ્લા મેજિસ્ટ્રેટના ૯ ફૂટથી વધુ ઊંચાઈના તાજિયા પર પ્રતિબંધના નિયમનું ઉલ્લંઘન થતા ધોરાજી સિટી પોલીસે ૧૯ આયોજકો સામે લીધા કડક કાનૂની પગલાં : જેમના દર્શને ક્યારેક મહારાજા ભગવતસિંહજી પધારતા તે ઐતિહાસિક રૂસ્તમ તાજિયા કમિટી સામે પણ ગુનો દાખલ

કિશોર રાઠોડ દ્વારા, ધોરાજી:રાજકોટ ગ્રામ્યના ધોરાજી શહેરમાં પવિત્ર મોહરમ માસની ઉજવણી અને તાજિયા જુલૂસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા વચ્ચે એક અભૂતપૂર્વ કાનૂની કાર્યવાહી સામે આવી છે. ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બન્યું હશે કે, પરંપરાગત તાજિયા જુલૂસમાં સામેલ કુલ ૨૩ તાજિયાઓમાંથી ૧૯ તાજિયા વિરુદ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોહરમ નિમિત્તે બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરીને ૯ ફૂટ કરતા વધુ ઊંચાઈ ધરાવતા ૧૯ જેટલા તાજિયા રોડ પર કાઢી તેનું પરિવહન કરવા બદલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ ૧૯ જવાબદાર આયોજકો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
શાંતિ સમિતિની બેઠકમાં કડક સૂચના અપાઈ હોવા છતાં નિયમ ભંગ કરાયો:
મળતી વિગતો મુજબ, મોહરમ પર્વ પૂર્વે જ રાજકોટ જિલ્લા પોલીસ વડા તેમજ ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજની સૂચના અનુસાર ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ દ્વારા આજથી આઠ દિવસ પહેલા એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તાજિયા કમિટીના તમામ સભ્યોને સ્પષ્ટ અને કડક સૂચના આપવામાં આવી હતી કે જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટના જાહેરનામા ક્રમાંક જે/એમએજી/કાવ્ય/મોહરમ-તાજીયા/જાહેરનામુ/૨૦૨૬ તારીખ ૧૦/૦૬/૨૦૨૬ અન્વયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ હેઠળ તારીખ ૧૮/૦૬/૨૦૨૬ થી તારીખ ૨૭/૦૬/૨૦૨૬ સુધી રાજકોટ ગ્રામ્યના સમગ્ર વિસ્તારમાં ૯ ફૂટથી વધુ ઊંચાઈના તાજિયા બનાવવા, વેચવા તથા જાહેર માર્ગો પર પરિવહન કરવા પર સખત પ્રતિબંધ છે. જોકે તે સમયે તાજિયા કમિટીના સભ્યોએ રજૂઆત કરી હતી કે તેઓ તાજિયા છ મહિના અગાઉથી બનાવતા હોય છે, જેથી હવે નાના કઈ રીતે કરવા. આ અંગે કમિટી દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત પણ કરાઈ હતી, પરંતુ જાહેરનામામાં કોઈ ફેરફાર ન આવતા પોલીસ ઇન્સ્પેક્ટરે કાયદાનું પાલન કરવાની સ્પષ્ટતા કરી હતી.
દરબારગઢ ચોક પાસે ચેકિંગ હાથ ધરી ઊંચાઈ માપવામાં આવી:
તારીખ ૨૬/૦૬/૨૦૨૬ ના રોજ સાંજના સમયે ધોરાજી ખાતે કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં મોહરમનું જુલૂસ મુખ્ય બજારમાંથી શાંતિપૂર્ણ રીતે પસાર થઈ રહ્યું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન સાંજે આશરે ૧૭:૦૦ વાગ્યે દરબારગઢ ચોક પાસે ફરજ પર તૈનાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી. કાકડીયા, અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ નારણભાઈ કરશનભાઈ પંપાણીયા તથા પોલીસ કોન્સ્ટેબલ મિલનભાઈ રમેશભાઈ આદ્રોજા સહિતના કાફલાએ જુલૂસમાં નીકળેલા કુલ ૨૩ તાજિયાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પૈકી ૧૯ તાજિયાઓની ઊંચાઈ નક્કી કરેલી ૯ ફૂટની મર્યાદા કરતા ઘણી વધારે એટલે કે ૯ થી લઈને ૧૭ ફૂટ સુધીની માલૂમ પડી હતી. આથી પોલીસે તુરંત જ બે પંચના માણસો બોલાવી, પંચ સમક્ષ ઊંચાઈની ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઇતિહાસ પ્રસિદ્ધ રૂસ્તમ તાજિયા સહિત આ ૧૯ આયોજકો સામે ગુનો નોંધાયો:
ધોરાજીના ઇતિહાસમાં જે તાજિયાના દર્શન કરવા માટે ખુદ ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજી પધારતા હતા, તે રાજાશાહી સમયના પરંપરાગત અને આસ્થાના પ્રતીક સમાન 'રૂસ્તમ તાજિયા' ના આયોજકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે નોધેલી ફરિયાદ મુજબ ગુનો દાખલ થયેલા ૧૯ તાજિયા અને તેના જવાબદાર આયોજકોની યાદી નીચે મુજબ છે:
(૧) રૂસ્તમ તાજિયા માતમ: આયોજક સૈયદ જાવિદમિયાં રજાકમિયાં
(૨) તૈલીની તાજિયા માતમ: તોફિક સતાર પટેલ
(૩) તુંબી તાજિયા માતમ: ઇમરાન ઈબ્રાહીમ હાલાઈ
(૪) બુખારીશા તાજિયા માતમ: ઓનભાઈ સતારમિયાં નાગાણી
(૫) ઝગડું માતમ તાજિયા: ઇમ્તિયાઝ મોહમદભાઈ હાદા
(૬) લાખા પર માતમ: ઇકબાલ હનીફ મુન્શી
(૭) નવીવાલા તાજિયા માતમ: યાસીન કાદરભાઈ બીડીવાલા
(૮) હાથી ખાના તાજિયા માતમ: હનીફભાઇ કાસમભાઈ ખોરાણી
(૯) રાંગરી મહોલ્લા માતમ: શબ્બીર સતાર લુલાણીયા
(૧૦) આંબાવાડી તાજિયા માતમ: ખાલિદ જબ્બાર બેલીમ
(૧૧) નાભિરાજ ચોક તાજિયા: ગફાર ઓસમાણ શક્કરિયાણી
(૧૨) રસુલપરા તાજિયા માતમ: મેહબૂબશા મહંમદશા સર્વડી
(૧૩) અંધારિયા વાડ તાજિયા: અઝરૂદ્દીન મોહમદ ગોરી
(૧૪) આલુ બાપુ તાજિયા માતમ: બશીર મિયા મામદ મિયાં અટારી
(૧૫) ચમાલીપા તાજિયા માતમ: એહમદ જબ્બાર સોલંકી
(૧૬) હાસમ ફળિયા તાજિયા: અબ્દુલ કાદિર ગરાણા
(૧૭) બિલાની ફળિયા માતમ: બશીર ગનીભાઇ ગરાણા
(૧૮) પરીનો તાજીયો: ગુલામ હુસેન બુખારી
(૧૯) વોરા વાડ તાજિયા માતમ: વાહિદ ખાન અલીખાન સિપાઈ
ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી. કાકડીયાએ સરકાર પક્ષે ફરિયાદી બની ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર ગુનો રજીસ્ટર કરાવ્યો છે અને ધોરાજી પોલીસ આ મામલે આગળની ઘટીત તજવીજ ચલાવી રહી છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
