હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં કોંગ્રેસની 'મત બચાવો, દેશ બચાવો' બાઇક રેલીની મંજૂરી અચાનક રદ કરાતાં ઉગ્ર રોષ : તંત્રના બેવડા માપદંડ સામે આક્રોશ : જુઓ વિડિયો
શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના તંત્ર સામે આકરા પ્રહાર : ભાજપ માટે અલગ અને વિપક્ષ માટે અલગ કાયદો હોવાનો ગંભીર આક્ષેપ કરી પોલીસ મથકે ધરણાંની ચીમકી

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર, તા. ૧૬ ઓક્ટોબર : જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી અને મતાધિકારના રક્ષણ કાજે 'મત બચાવો, દેશ બચાવો' ના નારા સાથે કલેક્ટર કચેરી સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, વહીવટી તંત્ર દ્વારા મોડી રાત્રે અચાનક ટેલિફોનિક જાણ કરીને આ રેલીની પૂર્વ મંજૂરી રદ કરી દેવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને ભારે આક્રોશ ફેલાયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તેમજ પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે તંત્રના આ પક્ષપાતી વલણ સામે આકરા પ્રહારો કર્યા છે.
તંત્રના બેવડા માપદંડ અને પક્ષપાતી વલણનો આક્ષેપ:
કોંગ્રેસના આગેવાનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે લોકશાહી ઢબે યોજાનારા શાંતિપૂર્ણ કાર્યક્રમને દબાવવા માટે મોડી રાત્રે ફોન કરીને મંજૂરી રદ કરવાની ફરજ પાડવામાં આવી છે અને તંત્ર શાસક પક્ષના ઈશારે કામ કરી રહ્યું છે. શાસક પક્ષ ભાજપના મહિલા મોરચા સહિતના કાર્યક્રમો માટે તમામ પ્રકારની છૂટછાટો અપાય છે, જ્યારે વિપક્ષ જનતાના અવાજને વાચા આપવા માટે મેદાને પડે ત્યારે નિયમો અને કાયદાનું બહાનું આગળ ધરી દેવામાં આવે છે. "ભાજપ માટે અલગ માપદંડ અને વિપક્ષ માટે અલગ નિયમો કેમ?" તેવો વેધક સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.
આ સાથે કોંગ્રેસે દાવો કર્યો છે કે રેલીને રોકવા માટે અગાઉથી જ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જો પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા કોંગ્રેસના કાર્યકરો કે આગેવાનોની ગેરકાયદે અટકાયત કરવામાં આવશે, તો તમામ કાર્યકરો પોલીસ મથકે બેસીને ઉગ્ર ધરણાં પ્રદર્શન કરશે તેવી સ્પષ્ટ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અંતમાં આગેવાનોએ જણાવ્યું હતું કે મંજૂરીઓ રદ કરવાથી કે પોલીસ બળના ઉપયોગથી જનતાનો અવાજ દબાવી શકાશે નહીં, અને નાગરિકોના મતાધિકાર તથા બંધારણીય લોકશાહીના રક્ષણ માટેનો આ સંઘર્ષ અવિરત ચાલુ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
