<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

જામનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં લીટરે રૂ. 3નો વધારો, વાહનચાલકો પર ખર્ચનો બોજ વધ્યો

વૈશ્વિક કાચા તેલના વધતા ભાવની અસર: પેટ્રોલ રૂ. 97ને પાર, ડીઝલ રૂ. 93ની નજીક; ટ્રાન્સપોર્ટ અને રોજિંદી ચીજવસ્તુઓ મોંઘી થવાની શક્યતા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. 15  : દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર થતાં જામનગર શહેરમાં પણ ઇંધણના નવા ભાવ અમલમાં આવ્યા છે. વૈશ્વિક કાચા તેલના વધતા ભાવ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના પ્રભાવ વચ્ચે ઇંધણના દરોમાં વધારો નોંધાયો છે.

 

મળતી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર અંદાજે રૂ. 3 જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે જામનગર શહેરમાં પેટ્રોલનો ભાવ અંદાજે રૂ. 97થી વધુ અને ડીઝલનો ભાવ રૂ. 93ની આસપાસ પહોંચી ગયો છે. અગાઉ જામનગરમાં પેટ્રોલનો ભાવ આશરે રૂ. 94.43 તથા ડીઝલનો ભાવ રૂ. 90.12 પ્રતિ લીટર હતો.

 

ઇંધણના વધેલા ભાવના કારણે વાહનચાલકો, ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમજ સામાન્ય નાગરિકોના માસિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને માલવાહક વાહનોના ભાડા, કૃષિ ઉત્પાદનોના પરિવહન ખર્ચ તથા દૈનિક જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ ઉપર પણ તેની સીધી અસર પડી શકે છે.

 

પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવને લઈને શહેરના વાહનચાલકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ વધતા ઇંધણના ભાવને કારણે ઘરખર્ચ પર વધારાનો બોજ પડવાનો મત વ્યક્ત કર્યો હતો.

(12:16 PM IST)