<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

દુર્લભ ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટની તાકીદને પગલે પીજીવીસીએલ કચ્છમાં રૂ. ૭.૫ કરોડ ખર્ચશે

નખત્રાણા-માંડવી વિસ્તારમાં ૮૦૦ કિ.મી. લાંબી વીજલાઇનોને કવર કંડક્ટરમાં રૂપાંતરિત કરાશે : ખુલ્લા તારના સ્થાને એમવીસીસી લગાવાશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ :  કચ્છમાં દુર્લભ ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે પીજીવીસીએલના કચ્છ સર્કલ દ્વારા રૂ. ૭.૫ કરોડના ખર્ચે મહત્વપૂર્ણ વીજ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અમલીકરણના ભાગરૂપે નખત્રાણા અને માંડવી વિસ્તારની અંદાજે ૮૦૦ કિલોમીટર લાંબી ૧૧ કે.વી.ની ઓવરહેડ વીજલાઇનોને કવર કંડક્ટરમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ કામગીરી અંતર્ગત હાલની ખુલ્લા તારવાળી વીજલાઇનોના સ્થાને એમવીસીસી (મિડિયમ વોલ્ટેજ કવર કંડક્ટર) લગાવવામાં આવશે. કવર કંડક્ટરના ઉપયોગથી વીજતારના સીધા સંપર્કમાં આવવાથી પક્ષીઓને થતું જોખમ ઘટશે. ઘોરાડના સંરક્ષણ માટે નિર્ધારિત જીઆઈબી વિસ્તારમાંથી પસાર થતી વીજલાઇનોને સુરક્ષિત બનાવવાની આ કામગીરી પક્ષીઓના રક્ષણમાં મહત્વપૂર્ણ સાબિત થશે. પીજીવીસીએલના કચ્છ સર્કલ દ્વારા પ્રોજેક્ટની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આગામી ડિસેમ્બરના અંત સુધીમાં તબક્કાવાર કામગીરી શરૂ કરવાનું આયોજન છે.

(9:32 AM IST)