તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
જુનાગઢ ગિરનાર પરિક્રમામા બાપુની તપસ્યા જોઈને યાત્રિકો સ્તબ્ધ :;માટીમાં દટાઈને કરી રહ્યા છે કઠોર સાધના
જંગલની વચ્ચે ખુલ્લા આકાશ નીચે, ધૂળ-માટીના ઢગલામાં શરીર દબાવીને સૂતેલા સાધુની તસવીર વાયરલ : કોઈ પલંગ નહીં, કોઈ સુવિધા નહીં બસ ગિરનારીની ભક્તિમાં તપસ્યા

જૂનાગઢ તા.૨૨ : ગિરનારની લીલી પરિક્રમામાં ભક્તિ અને ભોજનની સાથે સાથે સાધુ-સંતોની કઠોર તપસ્યાના પણ દર્શન થઈ રહ્યા છે. પરિક્રમા માર્ગમાં એક બાપુની તપસ્યાની તસવીર હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે, જે જોઈને યાત્રિકો પણ સ્તબ્ધ થઈ ગયા છે.
તસવીરમાં જોઈ શકાય છે તેમ, કેસરી વસ્ત્રો ધારણ કરેલા બાપુ જંગલની વચ્ચે ખુલ્લી જમીન પર પાથરેલી પથારી પર ઊંધા સૂતેલા છે. તેમના શરીરનો અડધો ભાગ માટીના ઢગલા નીચે દબાયેલો છે. હાથ માટીમાં જ રાખીને તેઓ શાંત ચિત્તે તપસ્યામાં લીન જોવા મળે છે.
આસપાસ ન તો કોઈ પલંગ છે, ન કોઈ ગાદલું, ન કોઈ સુવિધા. પાછળ લાકડાંનો ઢગલો, એક બાજુ પાણીનો પીળો કેન અને એક થેલો - બસ આટલો જ સાધુનો સરસામાન. વૃક્ષોની છાયામાં, ખુલ્લા આકાશ નીચે, ધૂળ-માટીમાં જ બાપુએ પોતાની તપસ્યા આદરી છે.
પરિક્રમામાંથી પસાર થતા અનેક યાત્રિકો આ દ્રશ્ય જોઈને થંભી ગયા હતા. લોકો બાપુની આ કઠોર સાધના જોઈને નતમસ્તક થઈ ગયા હતા. કેટલાકે બાપુના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા, તો કેટલાકે આ તસવીર પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.
ગિરનાર એટલે જ તપસ્યા ભૂમિ. અહીં આજે પણ અનેક સાધુ-સંતો આવી કઠોર તપસ્યા કરીને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યા છે. બાપુની આ તપસ્યાએ પરિક્રમાની ભક્તિને વધુ પવિત્ર બનાવી દીધી છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
