<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સવારે ગુલાબી ઠંડક, બપોરે આકરો તાપઃસૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં બેવડી મોસમનો અહેસાસ

મોડી રાત્રે અને વહેલી સવારે ૨૧ ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન, બપોરે પારો ૩૬-૩૭ ડિગ્રીને પાર, આગામી દિવસોમાં પણ વાતાવરણ ચોખ્‍ખું રહેશે

રાજકોટ તા.૫ :..  સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હાલ બેવડી મોસમનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડકનો અહેસાસ થાય છે, જ્‍યારે બપોરના સમયે આકરો તાપ પડી રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવન અને ઝાકળને કારણે શિયાળાના આગમનનો સંકેત મળી રહ્યો છે, તો બપોરે બજારમાં નીકળેલા લોકોને ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટમાં આજે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા છે. આકાશ ચોખ્‍ખું રહેશે અને વરસાદની કોઈ શકયતા નથી. આગામી દિવસોમાં પણ રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૬ થી ૩૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૧ થી ૨૨ ડિગ્રીની વચ્‍ચે રહેશે. સવારે ૬-૫૩ વાગ્‍યે સૂર્યોદય અને સાંજે ૬-૦૭ વાગ્‍યે સૂર્યાસ્‍ત થશે.

કચ્‍છમાં પણ સવારે ઠંડક અને બપોરે ગરમી જોવા મળી રહી છે. કચ્‍છમાં આજે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રીની આસપાસ રહેશે. આકાશ ચોખ્‍ખું રહેશે અને વરસાદની શકયતા નહિવત્‌ છે.

દિવાળીના વેકેશનમાં ધાર્મિક અને ફરવા લાયક સ્‍થળોએ જનારા લોકોએ સવારે હળવા ગરમ કપડા અને બપોરે હળવા કપડા સાથે રાખવા જરૂરી છે. બપોરના સમયે પાણી વધુ પીવું, તડકામાં લાંબો સમય ન રહેવું અને બાળકો તેમજ વળદ્ધોનું ખાસ ધ્‍યાન રાખવા હવામાન નિષ્‍ણાતો દ્વારા સલાહ આપવામાં આવી છે. સવાર-સાંજના તાપમાનના તફાવતને કારણે શરદી-ઉધરસ થવાની શકયતા પણ વધી જાય છે, તેથી સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે સાવચેત રહેવું જરૂરી છે.

આગામી એક સપ્તાહ સુધી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાતાવરણ મુખ્‍યત્‍વે ચોખ્‍ખું અને સૂકું રહેશે, વરસાદની કોઈ શકયતા નથી.

(11:16 AM IST)