<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ગિરનારની લીલી પરિક્રમામાં પરબના પીર કરશનનદાસ બાપુ સહજ ભાવે જોવા મળ્યા : પરિક્રમા માર્ગમાં વૃક્ષ નીચે બેઠેલા કરશનદાસબાપુના દર્શન કરી યાત્રિકો ધન્ય થયા

કોઈ આડંબર નહીં, કોઈ દેખાડો નહીં - બસ સહજ સાધુતાની ઝલક જોવા મળી : તસવીર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ : આવા સહજ સંતોના દર્શનથી જ પરિક્રમા સફળ થઈ જાય એવી લાગણી યાત્રિકોમાં જોવા મળી

જૂનાગઢ તા.૨૨ : ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે ભક્તિ, ભોજન અને ભજનની સાથે સાથે સાધુ-સંતોના સહજ દર્શનનો પણ લાભ યાત્રિકોને મળી રહ્યો છે. પરિક્રમા માર્ગમાં પરબના પીર કરશનદાસબાપુ સહજ ભાવે જોવા મળ્યા હતા, જેની તસવીર હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે.

       તસવીરમાં જોઈ શકાય છે તેમ, કરસનદાસ બાપુ કેસરી વસ્ત્રો ધારણ કરીને, ગળામાં રૂદ્રાક્ષની માળા અને ખભા પર લીલો ખેસ નાખીને પરિક્રમા માર્ગમાં એક મોટા વૃક્ષની ડાળી પર સહજ ભાવે બેઠા છે. કપાળમાં તિલક, ચહેરા પર સ્મિત અને આંખોમાં શાંતિ - બાપુની આ સહજ મુદ્રા જોઈને યાત્રિકો પણ થંભી ગયા હતા.

 

કોઈ મોટો કાફલો નહીં, કોઈ આડંબર નહીં, કોઈ દેખાડો નહીં. બસ જંગલની વચ્ચે, પ્રકૃતિના ખોળામાં બેઠેલા એક સાચા સાધુની મોજ - આ જ દ્રશ્યએ સૌના દિલ જીતી લીધા હતા.

 

પરિક્રમામાંથી પસાર થતા યાત્રિકોએ બાપુના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. અનેક ભાવિકોએ બાપુ સાથે તસવીર લીધી હતી અને આ તસવીરને સોશિયલ મીડિયામાં શેર કરીને ધન્યતા અનુભવી હતી.

 

ગિરનારની પરિક્રમા એટલે જ સાધુ-સંતોની મોજ અને ભક્તોનો મેળો. આવા સહજ સંતોના દર્શનથી જ પરિક્રમા સફળ થઈ જાય છે, એવી લાગણી યાત્રિકોમાં જોવા મળી રહી છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(12:35 PM IST)