<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ગોંડલના વેપારી પાસેથી ૨૧ લાખની ખંડણી વસુલનાર પિયુષ રાદડીયા સહિત ૩ પકડાયા

બોગસ પેઢીના કૌભાંડની પોસ્‍ટ ફેસબુકમાં મૂકી જીએસટી- પોલીસ વિભાગમાં ગુન્‍હો દાખલ કરાવવાની ધમકી આપી : એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગોંડલ બી ડિવીઝનના પી.આઇ. જી.એસ. ગઢવી તથા ટીમે પીયુષ રાદડીયા, હિતેશ સાકરીયા તથા પૂર્વ ભાગીદાર ભૌતિક બોઘરા સહિત ૩ શખ્‍સોને દબોચી લઇ ધરપકડ કરીઃ એક શખ્‍સની શોધખોળ : પૂર્વ ભાગીદાર ભૌતિક બોઘરાને ધંધાકીય મનદુઃખ થતા પેઢી અંગે હિતેશ સાકરીયાને માહિતી આપતા પિયુષ રાદડીયા સહિત ત્રણેય ખંડણી વસૂલીઃ ૨૧ લાખ ખંડણી વસુલ્‍યા બાદ હિતેશ સાકરીયાએ ફોન કરી કહેલ કે મને મારા ભાગના રૂપિયા મળેલ નથી તમામ રૂપીયા પીયુષ લઇ ગયો છે તેમ કહી વધુ ૨૧ લાખની ખંડણી માંગતા અંતે વેપારી મેહુલ રૈયાણીએ પોલીસમાં ફરીયાદ નોંધાવીઃ પીયુષ રાદડીયા અગાઉ ખંડણી સહિતના ૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે

તસ્‍વીરમાં પ્રેસ કોન્‍ફરન્‍સમાં માહિતી આપતા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર, એલસીબી પી.આઇ. જે.પી. રાવ તથા પી.આઇ. ગઢવી નજરે પડે છે. નીચેની તસ્‍વીરમાં પકડાયેલ ત્રણેય આરોપી નજરે પડે છે.

રાજકોટ તા.૧: ગોંડલના વેપારીની પેઢીના કૌંભાડની બદનામ કરતી પોસ્‍ટ ફેસબુકમાં મુકી ૨૧ લાખની ખંડણી માંગ્‍યાની નામચીન પિયુષ રાદડીયા સહિત ૪ શખ્‍સો સામે ગોંડલ પોલીસમાં ફરીયાદ થયા બાદ એકશનમાં આવેલી પોલીસે પિયુષ રાદડીયા સહિત ૩ શખ્‍સોની ધરપકડ કરી અન્‍ય એક અજાણ્‍યા શખ્‍સની શોધખોળ હાથધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ચોકસીનગર ઉમવાળા બ્રિજ પાસે રહેતા અને ગોંડલ નવા યાર્ડમાં જાસવી ટ્રેડીંગ નામની પેઢીના નામે કપાસનો વેપાર કરતા વેપારી મેહુલભાઇ ભરતભાઇ રૈયાણીએ આરોપી હિતેશ સાકરીયા રે.મોટા ભાદરા ગામ, તા.જામ કંડોરણા, પિયુષ રાદડીયા, રે. ગોંડલ તથા ભૌતિક બોઘરા રે.ચરખડી તા.ગોંડલ તથા એક અજાણ્‍યો માણસ કે જે વકીલ જેવા કાળા કોટ પહેરેલો હતો તે શખ્‍સ સામે ગોંડલ બિ ડીવીઝનમાં ફરીયાદ કરી ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આજથી ત્રણ મહિના પહેલા ફરીયાદીને તેના કાકાના દિકરા પ્રશાંત રૈયાણીએ વાત કરેલ કે, મારા ફેસબુક ફ્રેન્‍ડ હિતેશ સાકરીયાએ તેના ફેસબુક આઇડીમાં જી.એસ.ટી કૌભાંડ કરતી પેઢીઓના નામ દર્શાવેલ છે અને તેમાં તમારી પેઢીનું પણ નામ દર્શાવેલ છે. જેથી ફરીયાદીએ આ પોસ્‍ટ જોતા તેમાં અગાઉ યુધ્‍ધ એ જ કલ્‍યાણ ગ્રુપની પોસ્‍ટ મુકેલ હોય અને ગોંડલના પીયુષ રાદડીયા આ ગ્રુપનો સભ્‍ય હોય તેને ઓળખતો હોય અને બીજા દિવસે ગોંડલ કોર્ટ પાસે પીયુષ રાદડીયા મળતા તેને કહેલ કે તારૂ કામ હવે ફીટ થઇ જશે, તમારા ઉપર જી.એસ.ટી. વિભાગ તથા પોલીસમાં ગુનો દાખલ કરાવીશ જેથી ફરીયાદી આવુ ન કરવા અને કોઇ રસ્‍તો કાઢવાનું કહેતા બીજા દિવસે કોર્ટ પાસે મળવાનુ કહયુ હતુ. જયાં પીયુષ રાદડીયા, હીતેશ સાકરીયા અને વકીલ જેવા દેખાતા શખ્‍સે ભેગા મળી કહેલ કે, ૩૦ લાખ રૂપીયા આપી દો તો જીએસટી કે પોલીસ વિભાગમાં કોઇ કાર્યવાહી કરશુ નહિ અને આ રૂપીયામાંથી અમારે ભૌતિક બોઘરાને પણ રૂપીયા આપવાના છે. જેથી આમા ઓછા રૂપીયા નહી ચાલે અને હિતેશ તમારા વિરૂધ્‍ધ સોશ્‍યલ મિડીયામાં પોસ્‍ટ નહી મુકે.

 ત્‍યારબાદ ફરીયાદીએ વિનંતી કરતા પીયુષ રાદડીયા સહિતના શખ્‍સોએ ૨૧ લાખ તો આપવા જ પડશે તેમ કહી જતા રહેલ. ત્‍યારપછી સાંજના ૪ વાગ્‍યે ફરીયાદી ૨૧ લાખની રોકડ લઇ કોર્ટ પાસે આવેલ ત્‍યાં પીયુષ રાદડીયા તથા હિતેશ સાકરીયા એસયુવી કારમાં બેઠા હતા તેમાં ફરીયાદીને બેસી જવા કહયુ હતું. કારમાં બેસી ફરીયાદીએ હિતેશ સાકરીયાને ૨૧ લાખની રોકડ આપી હતી ત્‍યારબાદ પીયુષ રાદડીયા અને હિતેશ સાકરીયાએ કહેલ કે આ વાત કોઇને કહીશ જાનથી મારી નાખીશ તેમ કહી બન્ને કાર લઇ નીકળી ગયા હતા. ત્‍યારપછી બન્ને સોશ્‍યલ મિડીયામાં ફરીયાદી વિરૂધ્‍ધ પોસ્‍ટ મુકવાનું બંધ કરી દીધુ હતું.

આજથી પાંચેક દિવસ પહેલા હિતેશ સાકરીયાને ફરીયાદીનો ફોન આવેલ કે, તે આપેલ તમામ રૂપીયા પીયુષ રાદડીયા લઇ ગયો છે મને મારા ભાગના રૂપીયા મળેલ નથી જેથી તું મને ૨૧ લાખ આપી દે નહિતર તને સોશ્‍યલ મીડીયા ઉપર બદનામ કરવાનું ચાલુ કરીશ અને જી.એસ.ટી. વિભાગ તથા પોલીસમાં અરજી કરી તારા વિરૂધ્‍ધ કાર્યવાહી કરાવીશ અને આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા અંતે ફરીયાદીએ ઉકત ચારેય સામે બી ડિવીઝન પોલીસમાં ફરીયાદ કરી હતી.

આ ફરીયાદ બાદ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરની સુચના અન્‍વયે ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝનના પી.આઇ. જી.એસ. ગઢવી તથા ટીમે ખંડણી વસુલનાર પીયુષ રાદડીયા, ભૌતિક બોઘરા તથા હિતેશ સાકરીયાને ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ ધરપકડ કરી હતી.  જયારે અન્‍ય એક અજાણ્‍યા શખ્‍સની શોધખોળ હાથ ધરાઇ છે.

એસપી કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં એસ.પી. વિજયસિંહ ગુર્જરે વિશેષ માહિતી આપતા જણાવ્‍યુ હતું કે,  પકડાયેલ ત્રણ આરોપીઓ પૈકી ભૌતિક બોઘરા ફરીયાદીની પેઢીમાં ભાગીદાર તરીકે કામ કરતો હોય કોઇ બાબતે ધંધાકીય મનદુઃખ થતા આરોપી હિતેશ સાકરીયાને પેઢી સંબંધે માહિતી આપી હતી. અને ત્રણેય પૂર્વ આયોજીત કાવતરૂ રચી ખંડણી વસૂલી હતી. પકડાયેલ પિયુષ રાદડીયા સામે અગાઉ ખંડણી સહિત ૭ ગુનાઓ ગોંડલ અને સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાયા છે.

 

(4:04 PM IST)