હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચોટીલામાં તહેવારો પહેલાં તળેટી વિસ્તારમાં દબાણ દૂર કરવા પોલીસ એક્શનમાં!
બેસતા વર્ષથી પૂનમ સુધી યાત્રાધામમાં લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓના ધસારાની સંભાવનાઃચામુંડા માતાજીની તળેટીમાં પોલીસનું પેટ્રોલિંગ; વેપારીઓને દુકાનો બહારનાં દબાણો દૂર કરવા સૂચના

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૩૦: દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન ચોટીલાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટતા હોય છે.
ખાસ કરીને બેસતા વર્ષથી પૂનમ સુધી યાત્રાધામમાં માનવ મહેરામણ ઊમટવાની સાથે વાહનવ્યવહારમાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે. આવી સ્થિતિમાં તળેટી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને શ્રદ્ધાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે ચોટીલા પોલીસ દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
આગોતરા આયોજનના ભાગરૂપે ચોટીલા પોલીસની ફોજ સાથે થાણા અમલદારની આગેવાની હેઠળ ચામુંડા માતાજીના તળેટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તળેટી વિસ્તારમાં ધંધા-રોજગાર કરતા વેપારીઓને પોતાની દુકાનોની બહાર અવરજવરમાં અડચણરૂપ બને તેવાં દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.
તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની ભારે અવરજવરને ધ્યાનમાં રાખીને રસ્તાઓ ખુલ્લા રહે, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે અને યાત્રાળુઓની અવરજવર વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે હેતુથી પોલીસે વેપારીઓને અગાઉથી જ જરૂરી સૂચનો આપી આગમચેતી દાખવી છે.
ચોટીલા યાત્રાધામમાં તહેવારોના દિવસો દરમિયાન ઊમટતા ભારે જનસમુદાયને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કરવામાં આવેલી આ આગોતરી કામગીરી મહત્ત્વપૂર્ણ છે.
હવે વેપારીઓ પણ પોલીસની સૂચનાઓનું પાલન કરી સહકાર આપે તો તહેવારો દરમિયાન તળેટી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં અને યાત્રાળુઓની અવરજવર સુગમ બનાવવામાં મદદરૂપ બની શકે છે.(તસવીરઃ હેમલ શાહ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
