તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
કચ્છમાં વ્યાજખોરીના વિષચક્ર પર પોલીસનો સકંજો : અબડાસાના બે વ્યાજખોરો પાસેથી ૨.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
રૂ.૧.૨૪ કરોડથી વધુની રોકડ, ૧ કરોડના સોના-ચાંદીના દાગીના, ૩૫ દસ્તાવેજો, ૭૯ કોરા સહીવાળા ચેક, ૭૪ ચેકબુક અને ૨૯ હિસાબી ડાયરીઓ કબજે કરી, વ્યાજખોરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયા છે તે અંગે તપાસ તેજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ : લોકોને મજબૂરી અને જરૂરિયાતનો લાભ લઈ ઊંચા વ્યાજે નાણાં આપી ત્યારબાદ ધાકધમકીથી મિલકત, વાહનો અને અન્ય કીમતી વસ્તુઓ પડાવી લેવાના આક્ષેપો વચ્ચે પશ્ચિમ કચ્છ પોલીસે વ્યાજખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અબડાસા તાલુકાના કોઠારા પોલીસ મથકે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પોલીસે વ્યાજખોરીના કથિત નેટવર્ક સાથે સંકળાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી રૂ.૨,૨૫,૭૮,૩૨૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, વ્યાજના ચક્રમાં ફસાયેલા એક યુવકે કોઠારા પોલીસ મથકના પી.આઈ. પી.કે. રાડા સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી. ફરિયાદીનો આક્ષેપ હતો કે આરોપીઓ પાસેથી ૧૦ ટકા વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજની વસૂલાતના નામે સહી કરેલા કોરા ચેક, સી-ફૂડના સ્ટેમ્પ, વાહનો તથા કરોડોની જમીનના દસ્તાવેજો ધાકધમકીથી મેળવી લેવામાં આવ્યા હતા.
ફરિયાદી દ્વારા વ્યાજ પેટે રૂ.૩૬,૪૮,૫૦૦ ચૂકવવામાં આવ્યા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી આમદ હાજી મામદ મંધરા અને ઓસમાણ હાજી મામદ મંધરા, બંને રહે. કોઠારા, તા. અબડાસા,ની ધરપકડ કરી હતી.
આરોપીઓની પૂછપરછ અને પોલીસ તપાસ આગળ વધતાં વ્યાજખોરીના કથિત વ્યવહારો અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા વચ્ચે પોલીસે તેમના રહેઠાણ સહિતના વિવિધ સ્થળોએ સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને મળેલી બાતમીના આધારે અબડાસા તાલુકાના રાયધણપર ગામે ઓસમાણ ઉર્ફે ગની મંધરાના ઘરે પંચોની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના તેમજ વિવિધ દસ્તાવેજો મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ.૧,૨૪,૫૩,૪૦૦ ની રોકડ રકમ, ૮૩૧.૮૦૦ ગ્રામ સોનું અને ૨.૨૧૨ કિલો ચાંદીનો સમાવેશ થાય છે. સોના-ચાંદીના દાગીનાની અંદાજિત કિંમત રૂ.૧,૦૧,૨૦,૭૨૦ હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત તપાસ દરમિયાન ૩૫ અસલ દસ્તાવેજો, ૭૯ સહી કરેલા કોરા ચેક, ૭૪ ચેકબુક, ૭૨ પાસબુક, ૨૯ હિસાબી ડાયરીઓ, ૧૭ આર.સી. બુક, ૧૭ બેંક કાર્ડ, ૧૧ સ્ટેમ્પ, અસલ આઈ.ડી. તથા રેશનકાર્ડ, એક વીવો મોબાઈલ ફોન અને હથિયાર લાયસન્સની કલર કોપી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, નલીયા ડીવાયએસપી મનીષા દેસાઈ, કોઠારા પીઆઈ શ્રી રાડા સહિત પશ્ચિમ કચ્છ પોલીસ ટીમ દ્વારા આ સમગ્ર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જપ્ત કરાયેલા દસ્તાવેજો તથા નાણાકીય રેકોર્ડના આધારે વ્યાજના વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. વ્યાજના આ કથિત વિષચક્રમાં અન્ય કેટલા લોકો ફસાયેલા છે અને આરોપીઓ દ્વારા કેટલા લોકો પાસેથી નાણાંકીય વ્યવહારો કરવામાં આવ્યા છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે વ્યાજખોરીનો ભોગ બનેલા લોકોને ભય કે સંકોચ રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરી પોતાની ફરિયાદ રજૂ કરવા પણ અપીલ કરી છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
