<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

જામજોધપુર નજીક જીણાવારી પાસે પવનચક્કી સાઇટ પરથી ડીઝલ ચોરી મામલે પોલીસ ફરીયાદ બાદ સુપરવાઇઝર પર હુમલો

ડીઝલ ચોરીનો ભાંડો ફૂટતાં સાઇટ પર ધસી આવી લાકડીઓ-પાઇપથી મારમારી, છરીનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકીઃ કુલ ૧૦ સામે પોલીસ ફરીયાદ

જામજોધપુર, તા. ૧૯ : જામજોધપુર તાલુકાના જીણાવારી ગામ નજીક આવેલી પવનચક્કી સાઇટ પરથી ડીઝલ ચોરી થતી હોવાની ફરિયાદ બાદ કંપનીના સુપરવાઈઝર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે જામજોધપુર પોલીસ મથકે ફરિયાદ કુલ ૧૦ સામે ફરિયાદ નોંધાવાઈ  છે.

ફરિયાદ મુજબ, સાનીધ્‍ય પાર્ક લાલપુર ખાતે રહેતા અને ઓપેરા એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા જયેશભાઈ આલાભાઈ વસરાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે કંપની દ્વારા જીણાવારી તથા મોટી ગોપ વિસ્‍તાર ખાતે પવનચક્કીઓ ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી કંપનીના ટ્રેલર, ક્રેન અને અન્‍ય વાહનોમાં જરૂરીયાત કરતા વધુ ડીઝલ વપરાશ થતો હોવાને કારણે તેમને ડીઝલ ચોરી થતી હોવાની શંકા ગઈ હતી.

ગત તા. ૧૭-૦૫-૨૦૨૬ની મધરાતે તેઓ અન્‍ય કર્મચારીઓ સાથે જીણાવારી ગામ નજીક આવેલા લોકેશન નં. ૪૪૮ ઉપર તપાસ માટે ગયા હતા. તે દરમિયાન કંપનીના વાહનો પાસે શંકાસ્‍પદ હાલતમાં બે વ્‍યક્‍તિઓ ભાગી ગયા હતા. સ્‍થળ પરથી જી.જે.-૦૬-સીકયુ-૬૬૧૬ નંબરનું પ્‍લેટિના મોટરસાયકલ તથા અંદાજે ૩૦-૩૦ લીટર ડીઝલ ભરેલા બે કેરબા મળી આવ્‍યા હતા.

ત્‍યારબાદ કંપનીના ચોકીદારને સાહીલ હીંગોરા નામના વ્‍યક્‍તિનો ફોન આવ્‍યો હતો જેમાં તેણે ડીઝલ લેવા આવ્‍યા હોવાની કબૂલાત કરી હતી. ફરિયાદ મુજબ સાહીલ હીંગોરાએ કંપનીના ટ્રેલર ડ્રાઈવર જગા મારવાડી સાથે મળીને અનેક વખત કંપનીના વાહનોમાંથી ડીઝલ કાઢી પોતાના જે.સી.બી.માં વાપરતા હોવાની વાત સ્‍વીકારી હતી. ઘટનાની જાણ થતાં ૧૧૨ ટીમ સ્‍થળ પર પહોંચી હતી અને તમામને જામજોધપુર પોલીસ મથકે લઈ જવાયા હતા.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બીજા દિવસે સવારે ફરિયાદી સુપરવાઈઝર સાઇટ પર હાજર હતા ત્‍યારે બે વાહનોમાં આવી પહોંચેલા આશરે દસ જેટલા શખ્‍સોએ લાકડીઓ અને પાઈપ સાથે ધસી આવી હુમલો કર્યો હતો. આ દરમિયાન સાહીલ હીંગોરાએ છરી વડે હુમલો કરતાં ફરિયાદીને જમણા પગના સાથળ ભાગે ઈજા પહોંચી હતી અને તેમને ત્રણ ટાંકા આવ્‍યા હોવાનું જણાવાયું છે.

હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્‍થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે. સમગ્ર મામલે જામજોધપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:31 AM IST)