<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ધ્રાંગધ્રામાં વ્યાજખોરો પર પોલીસનો કાળઝાળ પ્રહાર: 10 શખ્સો સામે પઠાણી ઉઘરાણીના ગુના દાખલ, 7 નરાધમોને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યા

10 થી 50 ટકા સુધીનું તોતિંગ વ્યાજ વસૂલી નાના વેપારીઓને પાયમાલ કરનારા વ્યાજખોરોમાં ફફડાટ; જિલ્લા પોલીસ વડાના આદેશથી વ્યાજચક્ર પર ફેરવ્યું બુલડોઝર

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં મજબૂર અને નાના વેપારીઓનું લોહી ચૂસતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે અભૂતપૂર્વ કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી પઠાણી ઉઘરાણી કરીને શ્રમજીવી પરિવારના માળા પીંખનારા વ્યાજખોરો પર પોલીસે હથોડો વીંઝ્યો છે. જિલ્લા પોલીસ વડાના કડક નિર્દેશ બાદ ધ્રાંગધ્રા સીટી પોલીસે મેગા ડ્રાઈવ યોજીને કુલ ૧૦ વ્યાજખોરો સામે ગુનો નોંધી તેમાંથી ૭ આરોપીઓની ધરપકડ કરી લેતા વ્યાજખોરીના આ અંધારા સામ્રાજ્યમાં હડકંપ મચી ગયો છે.
નાના વેપારીઓ અને લારીધારકોને બનાવતા હતા નિશાન
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ વ્યાજખોરો ખાસ કરીને ગરીબ શ્રમજીવીઓ, છૂટક વેપારીઓ અને લારી ચલાવીને પેટીયું રળતા નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. વ્યાજના વિષચક્રમાં આ શખ્સો ૧૦, ૨૦ અને ક્યારેક તો ૫૦ ટકા જેટલું માતબર વ્યાજ વસૂલતા હતા. પરિસ્થિતિ એવી હતી કે ભોગ બનનાર વ્યક્તિ મૂળ રકમ ચૂકવી દેવા છતાં આ વ્યાજખોરો વધારાનું વ્યાજ માંગીને તેમને માનસિક અને શારીરિક રીતે અસહ્ય ત્રાસ આપતા હતા.
7 આરોપીઓ જેલ ભેગા, 3 હજુ પણ ફરાર
ધ્રાંગધ્રા સીટી પોલીસે સપાટો બોલાવીને જે ૭ આરોપીઓને ઝડપી લીધા છે, તેમની પાસેથી વ્યાજખોરીના વ્યવહારોના દસ્તાવેજો અને ડાયરીઓ જપ્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે વર્ષોથી વ્યાજખોરોના ડર નીચે જીવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, હજુ પણ ૩ શખ્સો પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પોલીસની અપીલ: ડરશો નહીં, ફરિયાદ કરો
જિલ્લા પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હજુ પણ જો કોઈ વ્યાજખોર કોઈપણ વ્યક્તિને પરેશાન કરતો હોય, તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવો. પોલીસે ખાતરી આપી છે કે વ્યાજખોરીના રાક્ષસને ડામવા માટે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે. ધ્રાંગધ્રામાં થયેલા આ પોલીસ એક્શનથી ગેરકાયદેસર નાણાં ધીરનાર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(12:01 AM IST)