તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
કોડીનાર તાલુકા પંચાયતમાં સત્તાના જંગ વચ્ચે દ્વારકા રિસોર્ટ પોલિટિક્સમાં પોલીસની એન્ટ્રી : કોંગ્રેસના સદસ્યોની પૂછપરછ બાદ માછીમાર અગ્રણીની અટકાયત
માત્ર એક સભ્યના તફાવતથી સર્જાયેલી ખેંચતાણ વચ્ચે દ્વારકા ફરવા ગયેલા સદસ્યોને ગીર સોમનાથ LCB એ પરત લીધા : માછીમારીના વેપારી અને તેમના બે સંબંધીઓને પણ પોલીસ સાથે લઈ જતા ચર્ચાઓ જાગી

કૌશલ સાવજાણી દ્વારા, જામ ખંભાળિયા: ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકા પંચાયતમાં સત્તા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. માત્ર એક સભ્યના મતના તફાવતથી પંચાયતનું ભવિષ્ય નક્કી થવાનું હોય, સત્તાવાર ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના સદસ્યો દ્વારકા વિસ્તારમાં સહેલગાહે નીકળ્યા હતા. જોકે, આ બાબતની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને દ્વારકાના એક માછીમાર અગ્રણી સહિતના વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
એક સભ્યના તફાવતથી તીવ્ર ખેંચતાણ
કોડીનાર તાલુકા પંચાયતમાં ભાજપ પાસે 12 અને કોંગ્રેસ પાસે 13 સદસ્ય છે. આ પાતળી બહુમતીને જાળવી રાખવા માટે કોંગ્રેસના સદસ્યોને દ્વારકા વિસ્તારમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન દ્વારકાના માછીમારીના ધંધા સાથે સંકળાયેલા એક અગ્રણી વિરુદ્ધ અરજી થઈ હોવાની વિગતોને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે પોલીસે આ તમામ સદસ્યોની પૂછપરછ કરી હતી, જેમાં કેટલીક મહિલા સદસ્યોનો પણ સમાવેશ થાય છે.
માછીમાર અગ્રણી અને સંબંધીઓની અટકાયત
તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે કોડીનારથી પરત ફરતા સમયે માછીમારીના અગ્રણી વેપારી અને તેમના બે સંબંધીઓ મોટરમાં મુસાફરી કરી રહ્યા હતા. પોલીસે આ તમામને અટકાવી તેમની ધરપકડ કરી હતી. આજે વહેલી સવારે ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમ દ્વારકા પહોંચી હતી અને આ ત્રણેય વ્યક્તિઓનો કબજો મેળવી તેમને પોતાની સાથે ગીર સોમનાથ લઈ ગઈ છે.
સદસ્યોના નિવેદનો નોંધી મુક્ત કરાયા
દ્વારકા પોલીસે સહેલગાહે આવેલા કોંગ્રેસના સદસ્યોના નિવેદનો લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જરૂરી પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી બાદ તમામ સદસ્યોને જવા દેવામાં આવ્યા હતા. જોકે, માછીમાર અગ્રણી વેપારીને ગીર સોમનાથ પોલીસને સુપ્રત કરવામાં આવતા દ્વારકા જિલ્લાના રાજકીય અને વ્યાપારી આલમમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કોડીનાર તાલુકા પંચાયતની સત્તા કોના હાથમાં જશે તેની ઉત્તેજના વચ્ચે આ પોલીસ કાર્યવાહીએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
