તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ભાવનગરમાં લાખોની માયા સામે પોલીસ ઊંઘતી રહી: SMC ના દરોડામાં કરોડોનું પ્રતિબંધિત એંબરગ્રીસ ઝડપાયું, 4 શખ્સો જેલભેગા
વ્હેલ માછલીની 'ઉલ્ટી'ની આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ: બુધેલમાં ઓપરેશન પાર પાડી 4.31 કરોડનો મુદ્દામાલ જપ્ત, અન્ય બે ફરાર

ભાવનગર : ભાવનગર નજીકના બુધેલ ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી એક આશ્ચર્યજનક કાર્યવાહીએ સ્થાનિક પોલીસની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. વર્ષોથી પ્રતિબંધિત એવા 'એંબરગ્રીસ' (વ્હેલ માછલીની ઉલ્ટી)નો મોટો વેપાર સ્થાનિક પોલીસની જાણ બહાર ધમધમી રહ્યો હતો, જેનો પર્દાફાશ SMC ની ટીમે સફળતાપૂર્વક કર્યો છે. આ દરોડામાં આશરે 4 કિલો 306 ગ્રામ વજન ધરાવતું કરોડોનું એંબરગ્રીસ જપ્ત કરીને તંત્રએ મોટી સફળતા મેળવી છે.
સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં
બુધેલના ખાર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સચોટ રેડ પાડી ત્યારે ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરા-સોના જેવી કિંમત ધરાવતા આ પદાર્થની કુલ કિંમત 4,31,60,100 રૂપિયા આંકવામાં આવી છે. SMC ને મળેલી આટલી મોટી સફળતા બાદ સવાલ એ થાય છે કે, સ્થાનિક પોલીસ તંત્ર આટલા મોટા ગેરકાયદેસર વ્યવસાયથી કેવી રીતે અજાણ રહ્યું? આ ઘટના બાદ સ્થાનિક પોલીસની શિથિલતા ચર્ચાનો વિષય બની છે.
આરોપીઓની ધરપકડ અને તપાસનો ધમધમાટ
આ દરોડા દરમિયાન પોલીસે ઇમરાન પરમાર, સાજીદખાન પઠાણ, ફૈઝાન મધરા અને શબ્બીર સૈયદ નામના 4 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી ગ્રાહકની શોધમાં હતી તે દરમિયાન જ પોલીસ ત્રાટકી હતી. તપાસ દરમિયાન અભિષેક રાઠોડ અને ભરતભાઈ ભરવાડ નામના અન્ય બે શખ્સોના નામ પણ સામે આવ્યા છે, જે હાલ પોલીસ પકડથી દૂર ભાગી રહ્યા છે.
વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો
ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે. આ એંબરગ્રીસ ક્યાંથી આવ્યું અને તેને કોને વેચવાના હતા, તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ સફળ ઓપરેશને ચોક્કસપણે ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
