તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
મેઘપર ગામે રહેણાંક મકાનમાં ચાલતા વિદેશી દારૂના કારોબાર પર પોલીસનો દરોડો: 240 નંગ નશાકારક ચપટા સાથે બૂટલેગર ઝડપાયો, પડાણા પોલીસની મોટી કાર્યવાહી
આઈજી અને એસપીની દારૂ-જુગાર નાબૂદીની ઝુંબેશ હેઠળ લાલપુર પંથકમાં પોલીસની તવાઈ: રાધે ક્રિષ્ના મંદિર પાસેના મકાનમાંથી રાજસ્થાન પાસિંગના દારૂનો જથ્થો જપ્ત, અન્ય એક શખ્સની શોધખોળ શરૂ

મેઘપર : જામનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે મેઘપર (પડાણા) પોલીસે દારૂના ગેરકાયદે વેચાણ પર મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે મેઘપર ગામમાં રાધે ક્રિષ્ના મંદિર પાસે આવેલી શેરીમાં રહેતા અજીતસિંહ ભુપતસિંહ કંચવાના મકાન પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૨૪૦ નંગ પ્લાસ્ટિકના ચપટા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા દારૂના જથ્થા પર 'ફોર્સ સેલ ઇન રાજસ્થાન ઓન્લી' લખેલું હતું, જે દર્શાવે છે કે આ જથ્થો અન્ય રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવ્યો હતો. કુલ ૨૧,૬૦૦ રૂપિયાની કિંમતનો આ નશાકારક મુદ્દામાલ કબજે કરી પોલીસે ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા ૩૭ વર્ષીય અજીતસિંહની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ ગુનામાં મેઘપરના જ અન્ય એક શખ્સ ભગીરથસિંહ પીંગળનું નામ ખુલતા પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પી.ટી. જયસ્વાલ અને એ.જી. જાડેજાની રાહબરી હેઠળની પોલીસ ટીમે આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. રહેણાંક વિસ્તારમાં અને ધાર્મિક સ્થળની નજીક ચાલતા આ દારૂના વેચાણના પર્દાફાશથી સ્થાનિક બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેની હેરફેર પાછળ અન્ય કેટલા શખ્સો સામેલ છે તે દિશામાં ઊંડી તપાસ હાથ ધરી છે. જામનગર પોલીસની આ સતર્ક કામગીરીથી ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવું જણાય છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
