<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ગોંડલમાં મહિલા સંચાલીત જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૬ મહિલાઓ પકડાઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩: ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ભવનાથ નગરમાં દત્તાત્રેય મંદિર પાસે ઍક રહેણાંક મકાનમાં દરોડો પાડીને જુગાર (તીન પત્તી) રમતી ૬ મહિલાઓને ઝડપી પાડી છે. પોલીસે રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૮૩,૧૩૦નો મુદ્દામાલ જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના આર્મડ પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભવનાથ નગરમાં દત્તાત્રેય મંદિરની બાજુમાં રહેતા રીટાબા યોગેન્દ્રસિંહ જાડેજા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને તીન પત્તીનો જુગાર રમાડતા હોવાની બાતમી મળતા પોલીસે મકાનના હોલમાં ગોળ કુંડાળું વળીને જુગાર રમતી ૬ મહિલાઓને રંગેહાથ ઝડપી પાડી હતી.

પૂછપરછમાં મકાન માલિક રીટાબાઍ કબૂલાત કરી હતી કે તેઓ દરેક રમતમાંથી ૫૦ રૂપિયા ખર્ચ (નાલ) તરીકે ઉઘરાવતા હતા.  ઝડપાયેલી મહિલા આરોપીઓમાં મકાન માલિક અને જુગારધામના સંચાલક રીટાબા યોગેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૫૦, રહે. ભવનાથનગર, ગોંડલ), રંજનબેન રજનીભાઈ પંડ્યા (ઉ.વ. ૫૦, રહે. સુખનાથ સોસાયટી, ગોંડલ), અનુબેન પ્રતાપભાઈ માંકડ (ઉ.વ. ૪૦, રહે. દર્શન પાર્ક સોસાયટી, વેરાવળ-શાપર), વર્ષાબેન હરકાંતભાઈ જોષી (ઉ.વ. ૭૩, રહે. ભવનાથનગર, ગોંડલ), ભારતીબેન રાજેશભાઈ માંડવીયા (ઉ.વ. ૩૬, રહે. મફતિયાપરા, રેલવે સ્ટેશન પાસે, ગોંડલ) અને કોમલબેન સંદિપભાઈ પટેલ (ઉ.વ. ૫૧, રહે. યોગી નગર, ગોંડલ) નો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી જુગારના પટમાંથી રૂ. ૬૨,૧૩૦ રોકડા, ૬ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૨૧,૦૦૦) અને ગંજીપત્તાના પાના મળીને કુલ રૂ. ૮૩,૧૩૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.

(1:24 PM IST)