<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

મોરબીમાં છેતરપીંડીના ૬૧ લાખની રકમ પોલીસે ફરીયાદીને પરત અપાવી

૩ આરોપીઓને પકડી પાડી રકમ રિકવર કરી સાયબર ક્રાઇમે ફરીયાદીને પરત આપી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧: મોરબી સાયબર ક્રાઈમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. ભેજાબાજોએ ફરિયાદીના પુત્રને સ્‍ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્‍કીમો આપી હતી. કાવતરાના ભાગરૂપે શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી નફાની રકમ પરત આપી વિશ્વાસમાં લીધો હતો અને ત્‍યારબાદ મોટી રકમનું રોકાણ કરાવી કુલ ૮૬,૨૫,૯૫૦ રૂપિયાની ઠગાઈ આચરી હતી. આ અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્‍યો હતો.

આ ગુનામાં સંડોવાયેલા કુલ ૩ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્‍યા છે. અને ગુનામાં ગયેલી રકમમાંથી ૬૧,૦૦,૦૦૦ રૂપિયા રિકવર કરવામાં સફળતા મેળવી છે. કોર્ટના હુકમ મુજબ ૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ ના રોજ ઁતેરા તુજકો અર્પણઁ પહેલ અંતર્ગત આ ૬૧ લાખ રૂપિયાની રકમ ફરિયાદીને પરત અર્પણ કરવામાં આવી છે.

મોરબી સાયબર ક્રાઈમ પોલીસે નાગરિકો માટે પ્રજાજોગ સંદેશ જારી કરતા જણાવ્‍યું છે કે, શેરબજારમાં ઝડપી નફો આપવાના બહાને અજાણી લિંક્‍સ, એપ્‍લિકેશન અથવા ફોન કોલ પર કયારેય વિશ્વાસ ન કરવો.

સાયબર ઠગ ખોટી વેબસાઈટ, નકલી ડીમેટ એકાઉન્‍ટ અને ફેક એપ્‍લિકેશન દ્વારા લોકોની વ્‍યક્‍તિગત માહિતી તથા પૈસા પડાવી શકે છે, તેથી કોઈપણ અજાણી સ્‍કીમમાં રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.

(12:07 PM IST)