<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

અમરેલીમાં હિસ્ટ્રીશીટરનો આતંક ઉતારતી પોલીસ : ભોજન સમારંભમાં છરી વડે હુમલો કરનાર યુવરાજ મકવાણાનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવાયું

ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના આદેશ બાદ સીટી પોલીસ અને LCB એ 12 ગુનામાં સંડોવાયેલા આરોપીને દબોચ્યો : 10 વર્ષની સજા કાપી જામીન પર છૂટેલા શખ્સનું ઘટનાસ્થળે પંચનામું કરાયું

 અમરેલી:  અમરેલીમાં અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોની હવે ખેર નથી તેવો કડક સંદેશ પોલીસ તંત્ર દ્વારા પાઠવવામાં આવ્યો છે. જાહેરમાં છરી ઉલાળી ભયનું વાતાવરણ ઉભું કરનારા તત્વો સામે લાલ આંખ કરતા વહીવટી તંત્રએ હિસ્ટ્રીશીટર યુવરાજ મકવાણાની શાન ઠેકાણે લાવી દીધી છે. ભોજન સમારંભ જેવી જાહેર જગ્યાએ આતંક મચાવનાર આ શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈ, જે વિસ્તારમાં તેણે દહેશત ફેલાવી હતી ત્યાં જ તેનું રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

 ભોજન સમારંભમાં મચાવ્યો હતો આતંક

બનાવની વિગતો મુજબ, અમૃતનગર વિસ્તારમાં આયોજિત એક ભોજન સમારંભમાં સામાન્ય બોલાચાલી બાદ યુવરાજ શિવકુ મકવાણા નામના શખ્સે ફરિયાદી સાથે મારામારી કરી હતી. ઉશ્કેરાયેલા યુવરાજે જાહેરમાં ધારદાર છરી કાઢી આસપાસના લોકોમાં દહેશત ફેલાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

 પોલીસે કરાવ્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

આ ઘટનાની ગંભીરતાને જોતા ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીએ આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા કડક આદેશો આપ્યા હતા. જેના પગલે અમરેલી સીટી પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમો સક્રિય થઈ હતી અને આરોપી યુવરાજ મકવાણાને દબોચી લીધો હતો. ગુનેગારોમાં પોલીસનો ડર પેસી જાય અને નિર્દોષ નાગરિકોમાં સુરક્ષાની ભાવના જાગે તે માટે ડીવાયએસપીની સીધી દેખરેખ હેઠળ આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે કઈ રીતે હુમલો કર્યો અને આતંક મચાવ્યો તેનું સ્થળ પર જ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું.

 12 ગુનામાં સંડોવાયેલો છે આરોપી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી યુવરાજ મકવાણા રીઢો ગુનેગાર અને હિસ્ટ્રીશીટર છે. તેની સામે અગાઉ હત્યાના પ્રયાસ સહિતના અલગ-અલગ 12 જેટલા ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હત્યાના પ્રયાસના એક કેસમાં નામદાર કોર્ટે તેને 10 વર્ષની કેદ અને 25,000 ના દંડની સજા પણ ફટકારી હતી. આ શખ્સ હાલમાં જામીન પર મુક્ત થયો હતો, પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા પોલીસે તેને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અમરેલી પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

(12:27 PM IST)