<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ચૂંટણી પૂર્વે જામનગરમાં પોલીસની લાલ આંખ : શંકરટેકરીમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને એસપી ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શનમાં મેગા કોમ્બિંગ : જૂઓ વિડીયો

નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાની આગેવાની હેઠળ એલસીબી, એસઓજી અને સીટી સી ડિવિઝનનો કાફલો સંવેદનશીલ વિસ્તારોમાં ત્રાટક્યો : બુટલેગરો, જુગારીઓ અને હિસ્ટ્રીશીટરોનું સઘન ચેકિંગ કરી અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાવતી પોલીસ

જામનગર : આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખીને જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં "સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ" યોજી અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

સંયુક્ત ટીમો દ્વારા શંકરટેકરીમાં સર્ચ ઓપરેશન:

સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા અને સંવેદનશીલ ગણાતા શંકરટેકરી વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાની આગેવાનીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરી, પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ ઇન્સ. એન.બી.ડાભી સહિત એસ.ઓ.જી. અને સ્થાનિક પોલીસની ટીમો જોડાઈ હતી. પોલીસે વિસ્તારના ખૂણેખૂણા ફેંદી નાખીને શંકાસ્પદ વ્યક્તિઓની કડક પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી.

 

બુટલેગરો અને અસમાજિક તત્વો પર ત્રાટકી પોલીસ:

આ સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો પર ખાસ વોચ રાખી હતી. જેમાં ૨૫ જેટલા પ્રોહીબિશન બુટલેગરોના રહેઠાણો તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૦૭ રીઢા જુગારીઓ, ૧૨ ટપોરીઓ, ૦૫ હિસ્ટ્રીશીટર અને ૦૮ એમસીઆર કાર્ડ ધરાવતા શખ્સોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી અસમાજિક તત્વોમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે.

 

વાહન ચેકિંગ અને દંડનીય કાર્યવાહી:

કોમ્બિંગ દરમિયાન રસ્તાઓ પર સઘન વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એમ.વી.એક્ટની કલમ-૨૦૭ મુજબ ૦૬ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા અને ૦૫ કિસ્સામાં ટ્રાફિક મેમો આપી દંડ વસૂલવામાં આવ્યો હતો. નશાની હાલતમાં વાહન ચલાવનાર એક શખ્સ સામે કલમ-૧૮૫ મુજબ ગુનો નોંધાયો હતો, જ્યારે જુગાર રમતા તત્વો સામે પણ એક કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

સુરક્ષાનો અહેસાસ કરાવતી પોલીસ:

ચૂંટણીલક્ષી સલામતી અને શાંતિ જળવાઈ રહે તે માટે કરવામાં આવેલી આ કામગીરીનો રિપોર્ટ નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) દ્વારા રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષકને મોકલવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે જેથી સામાન્ય નાગરિકો નિર્ભય બનીને રહી શકે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય.

(10:21 PM IST)