<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

કચ્છના માંડવીમાં નગરપાલિકાના હોલમાં કોંગ્રેસની બેઠકથી રાજકીય ગરમાવો! ભાજપના વિરોધ બાદ પોલીસ બોલાવાઈ

બુકિંગ અને મંજૂરી વિના બેઠક યોજાઈ હોવાનો ભાજપનો આક્ષેપ, જ્યારે કોંગ્રેસે મૌખિક મંજૂરી મળ્યાનો દાવો કર્યો; ગટર, બિસ્માર રસ્તા અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દે સવાલો , કોંગ્રેસ ભાજપ વચ્ચે આક્ષેપો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ :  કચ્છના માંડવી નગર સેવા સદન ખાતે શુક્રવારે બપોરે શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોની બેઠક યોજવાને લઈને ભાજપ-કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાતાં રાજકીય માહોલ ગરમાયો હતો. નગરપાલિકાના હોલમાં કોંગ્રેસની બેઠકની જાણ થતાં ભાજપના સત્તાપક્ષના નેતા વિજયભાઈ ચૌહાણ અને કારોબારી ચેરમેન વિજયભાઈ ગઢવી સ્થળ પર પહોંચ્યા હતા. મામલો ગરમાતાં પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે કોંગ્રેસના સભ્યોને કચેરીના હોલમાંથી નીચે ઉતાર્યા બાદ છોડી મૂક્યા હતા.

હોલના બુકિંગ મુદ્દે સામસામે આક્ષેપો

નગરપાલિકાના કારોબારી ચેરમેન વિજયભાઈ ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે બેઠક માટે કોઈ સત્તાવાર પરવાનગી આપવામાં આવી નહોતી. તેમના જણાવ્યા મુજબ, હોલના બુકિંગ માટે અરજીની મંજૂરી અને ભાડાની રકમની પહોંચ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. બીજી તરફ, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હોલ ભાડે લેવા અરજી કરવામાં આવી હતી અને મુખ્ય અધિકારી હાજર ન હોવાથી ઇન્ચાર્જ હેડ ક્લાર્ક મનજીભાઈ પરમારે મૌખિક મંજૂરી આપી હતી. આમ, હોલની મંજૂરી અને બુકિંગના મુદ્દે બંને પક્ષો વચ્ચે વિરોધાભાસી દાવા સામે આવ્યા હતા.

નગરપાલિકાના વહીવટ સામે કોંગ્રેસના સવાલો

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, બેઠકમાં શહેરના વિકાસ અને સ્થાનિક સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ગટરની સમસ્યાઓ, બિસ્માર રસ્તાઓ, બાંધકામ ક્ષેત્રે કથિત ભ્રષ્ટાચાર અને નગરપાલિકાના વહીવટ અંગે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. બેઠકમાં તાલુકા પ્રમુખ એડવોકેટ વલ્લભભાઈ વેલાણી, એડવોકેટ ખેરાજભાઈ ગઢવી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નગરપાલિકાના હોલમાં બેઠક યોજવાના મુદ્દે શરૂ થયેલો આ વિવાદ હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ ભાજપે નિયમો અને સત્તાવાર મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસે શહેરની સમસ્યાઓ અંગે ચર્ચા કરવા આ બેઠક યોજ્યાનું જણાવ્યું હતું.

(10:19 AM IST)