<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ગોંડલમાં કોંગ્રેસ પ્રમુખની ધરપકડ મુદ્દે રાજકારણ ગરમાયું

ભાજપ સરકાર પોલીસ તંત્રનો દુરુપયોગ કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૯: ગોંડલ સિવિલ હોસ્‍પિટલમાં સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે એક મૃતદેહની થયેલી દુર્દશાનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી ચૂક્‍યો છે. આ મામલે સોશિયલ મીડિયા પર વહીવટી તંત્ર અને પોલીસની ટીકા કરનાર ગોંડલ  તાલુકા કોંગ્રેસના પ્રમુખ હર્ષદસિહની પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે કોંગ્રેસના આગેવાનોએ એક પત્રકાર પરિષદ યોજીને શાસક પક્ષ ભાજપ અને પોલીસ પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને પુર્વ ધારાસભ્‍ય લલીતભાઈ વસોયા,  યતિશભાઈ દેસાઈ સહિતનાઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, હોસ્‍પિટલમાં મૃતદેહની જે બેહાલી થઈ હતી તે  મુદ્દે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિહ દ્વારા સોશિયલ મીડિયાના માધ્‍યમથી તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. પરંતુ, શાસક પક્ષ ભાજપ અને પોલીસ તંત્રને આ ટીકા સહન ન થતાં તેમની સામે ખોટી FIR નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.

લલીતભાઇ વસોયા એ આક્ષેપ કરતા જણાવ્‍યું હતું કે પ્રજાનો અવાજ ઉઠાવતા કોંગ્રેસના આગેવાનોને દબાવવા માટે ભારતીય જનતા પાર્ટી પોલીસ તંત્રનો હથિયાર તરીકે બેફામ દુરુપયોગ કરી રહી છે. આ અન્‍યાયી ધરપકડ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને રાજ્‍યસભાના પૂર્વ સભ્‍ય શક્‍તિસિહ ગોહિલ દ્વારા પણ પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

પોલીસની આ દમનકારી નીતિ સામે કોંગ્રેસ પક્ષ ઝૂકશે નહીં અને આ મુદ્દે પ્રદેશ કક્ષાએથી મજબૂત કાનૂની તેમજ રાજકીય લડત લડવામાં આવશે. વધુમાં તેમણે ઉગ્ર આંદોલનની ચીમકી આપતા સ્‍પષ્ટ કર્યું હતું કે જો હર્ષદસિંહને મુક્‍ત કરવામાં ન આવ્‍યા હોત, તો સમગ્ર રાજકોટ જિલ્‍લાના કોંગ્રેસના કાર્યકરો ગોંડલ પોલીસ સ્‍ટેશન ખાતે ધરણાં અને ઉગ્ર પ્રદર્શનો કરવા માટે સજ્જ હતા.

કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી અને રાજીનામાની ચર્ચાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે સ્‍પષ્ટતા કરી હતી કે જ્‍યારે સરકારી તંત્ર દ્વારા કાર્યકરોને દબાવવાનો પ્રયાસ થાય ત્‍યારે થોડી નારાજગી કે રાજકીય પીઠબળની અપેક્ષા સ્‍વાભાવિક છે. તેના અનુસંધાને જ પ્રદેશની સૂચનાથી હું ગોંડલ આવ્‍યો છું. ગોંડલ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હિમતવાન છે.કોઈ રાજીનામાં આપવાનાં નથી.બધાં કોંગ્રેસ સાથે છે.

(11:19 AM IST)