News of Saturday, 7th November 2026
પોરબંદર: વ્યાજખોરીના ગુનામાં આરોપી હિરલબા જાડેજાની જામીન અપીલ ફગાવતી અદાલતઃ સરકારી વકીલની ધારદાર દલીલોને સફળતા

પોરબંદર, તા. ૬ : પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વ્યાજખોરીના ગંભીર ગુનામાં છેલ્લા ૧૫ માસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપી હિરલબા ભુરાભાઈ જાડેજાની જામીન અપીલ અરજી એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ બી.જે. પટેલે આ નિર્ણય આપ્યો છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અને પોરબંદર શહેરના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વ્યાજખોરી તથા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૫), ૩૫૧(૩), ૩૫૨, ૧૨૭(૨), ૫૪ તથા ગુજરાત નાણાધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ ૪૦, ૪૨(એ) અને ૪૨(ડી) હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપીઓની ધરપકડ કરી જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા બાદ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
આ કેસમાં આરોપી હિરલબાએ જામીન મેળવવા ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તે નામંજૂર થતાં સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.
અપીલની સુનાવણી દરમિયાન કમલાબાગ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ. કંબુએ જરૂરી મુદ્દાઓ સાથે અદાલતમાં સોગંદનામું રજૂ કર્યું હતું. સરકારી વકીલ એ.જે. લીલાએ એડિશનલ સેશન્સ કોર્ટ સમક્ષ અસરકારક દલીલો રજૂ કરી હતી. આ દલીલોને ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ બી.જે. પટેલે આરોપીની જામીન અપીલ નામંજૂર કરી હતી તેમ કમલાબાગ પોલીસ સ્ટેશન, પોરબંદરની સત્તાવાર પ્રેસ યાદીમાં જણાવાયું છે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
