તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
પોરબંદર :હવે માછીમારી કરવા માટે 'એક્સેસ પાસ' ફરજિયાત : પાસ વિના ઊંડા દરિયામાં જનારા સામે કાયદાકીય કાર્યવાહી થશે
પોરબંદરમાં ફિશરી સર્વે ઑફ ઇન્ડિયા, મુંબઈ બેઝ દ્વારા માછીમારો માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો: અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને સુરક્ષા સાધનોના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું

પોરબંદરમાં માછીમારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. હવેથી ઊંડા દરિયામાં માછીમારી કરવા જતાં તમામ માછીમારો માટે 'એક્સેસ પાસ' મેળવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ નવા સરકારી નિયમો અંગે માછીમારોમાં વ્યાપક જાગૃતિ આવે તે હેતુથી પોરબંદર બોટ એસોસિએશન ખાતે એક વિશેષ અવેરનેસ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ફિશરી સર્વે ઑફ ઇન્ડિયા, મુંબઈ બેઝ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક માછીમારો અને બોટ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર બોટ એસોસિએશન ખાતે યોજાયેલા આ વિશેષ જાગૃતિ કાર્યક્રમમાં ફિશરી સર્વે ઑફ ઇન્ડિયા, મુંબઈ બેઝના ઉચ્ચ અધિકારીઓએ વિશેષ હાજરી આપી હતી. અધિકારીઓએ ઉપસ્થિત માછીમારોને ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાયદાઓ અને નિયમો વિશે ખૂબ જ વિસ્તૃત અને ઝીણવટભરી માહિતી પૂરી પાડી હતી. અધિકારીઓએ કાયદાકીય પાસાંઓ સમજાવતા સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય દરિયાકાંઠાથી 12 નોટિકલ માઇલ બાદનો જે વિસ્તાર આવે છે, જેને 'એક્સક્લૂસિવ ઇકોનોમિક ઝોન' તરીકે ઓળખવામાં આવે છે, તે વિસ્તારમાં માછીમારીની પ્રવૃત્તિ કરવા માટે હવેથી 'એક્સેસ પાસ' હોવો અનિવાર્ય છે.
આદેશ અનુસાર જો કોઈ પણ માછીમાર સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલા માન્ય 'એક્સેસ પાસ' વગર ઊંડા દરિયામાં અથવા EEZ વિસ્તારમાં માછીમારી કરતા પકડાશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહીકરવામાં આવી શકે છે. આ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ દ્વારા એક્સેસ પાસ મેળવવા માટેની સંપૂર્ણ અરજી પ્રક્રિયા, તેના માટે કયા-કયા જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે અને કયા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેની વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
આ અવેરનેસ કાર્યક્રમના અંત ભાગમાં, અધિકારીઓએ માછીમારોને દરિયાની સફર દરમિયાન પોતાની સુરક્ષા અને સલામતી પ્રત્યે સજાગ રહેવા ખાસ અનુરોધ કર્યો હતો. દરિયામાં ઊભી થતી આપત્તિઓ સમયે જીવ બચાવી શકાય તે માટે જરૂરી સલામતીના સાધનો જેવા કે લાઈફ જેકેટ અને અન્ય કમ્યુનિકેશન ડિવાઈસનો ફરજિયાત ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ સાથે જ ભારત સરકારની તમામ સત્તાવાર માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા માટે પણ માછીમારોને હાર્દિક અપીલ કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં કોઈપણ મોટી મુશ્કેલી કે કાનૂની ગૂંચવણથી બચી શકાય.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
