<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામનગર પ્રવાસનો સંભવિત કાર્યક્રમ જાહેર: રાત્રે 9 વાગ્યે આગમન, લાલ બંગલા સર્કલે અભિવાદન ઝીલશે

રવિવારે રાત્રે એરફોર્સ સ્ટેશને મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના અગ્રણીઓ કરશે સ્વાગત; રાત્રિ રોકાણ સર્કિટ હાઉસમાં, સોમવારે સવારે હેલિકોપ્ટર મારફતે સોમનાથ જવા રવાના થશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 9 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરના મહેમાન બની રહ્યા છે. વડાપ્રધાનના જામનગર પ્રવાસ અને રાત્રિ રોકાણને લઈને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા મિનિટ ટુ મિનિટ સંભવિત કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

 

*સંભવિત કાર્યક્રમ સમયપત્રક*

 

*રવિવારે રાત્રે 9:00 વાગ્યે*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વિશેષ વિમાન મારફતે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચશે.

 

*એરબેઝ ખાતે સ્વાગત કાર્યક્રમ*

એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી તથા અન્ય અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. સ્વાગત માટે ઉપસ્થિત અધિકારીઓમાં જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, રાજકોટ રેન્જના આઈજીપી નીર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા ડૉ. રવિમોહન સૈની, મહાનગરપાલિકા કમિશ્નર ડી.એન. મોદી સહિતના અધિકારીઓ સામેલ રહેશે.

 

*રાત્રે 9:05 વાગ્યે*

વડાપ્રધાનનો કાફલો જામનગર એરફોર્સ સ્ટેશનથી મોટર માર્ગે સર્કિટ હાઉસ તરફ રવાના થશે. જે 13 મિનિટમાં મોટર માર્ગે લાલ બંગલા સર્કલ ખાતે પહોંચશે.

 

*લાલ બંગલા સર્કલ ખાતે અભિવાદન કાર્યક્રમ*

પશ્ચિમ બંગાળ, આસામ, પોંડીચેરી સહિતના રાજ્યોમાં ભવ્ય જીત બાદ સૌ પ્રથમ જામનગર પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાલ બંગલા સર્કલ ખાતે સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને નાગરિકો દ્વારા અભિવાદન કરવામાં આવશે.

 

*રાત્રે અંદાજે 9:25 વાગ્યે*

વડાપ્રધાન જામનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. સર્કિટ હાઉસ ખાતે એસપીજી, પોલીસ અને ફાયર તંત્ર દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

*બીજા દિવસનો કાર્યક્રમ*

 

*સવારે 7:00 વાગ્યે*

વડાપ્રધાનની સવારની નિયમિત પ્રવૃત્તિઓ શરૂ થશે. સર્કિટ હાઉસ ખાતે નાસ્તા અને અન્ય વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવશે.

 

*સવારે 8:30 વાગ્યે*

વડાપ્રધાનનો કાફલો સર્કિટ હાઉસથી મોટર માર્ગે જામનગર એરફોર્સ સ્ટેશન તરફ રવાના થશે. ત્યારબાદ જામનગર એરબેઝ પરથી વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે સોમનાથ તરફ પ્રસ્થાન કરશે.

 

વડાપ્રધાનના સમગ્ર પ્રવાસને ધ્યાનમાં રાખીને જામનગર શહેરમાં ચુસ્ત સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને અગ્નિસુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

(11:58 AM IST)