News of Tuesday, 12th May 2026
કેશોદ નગરપાલિકા તથા તાલુકા પંચાયતમાં બક્ષિપંચ સ્ત્રી અનામત હોય પ્રમુખ પદ માટે સર્જાશે રસાકસી
સામાન્ય રીતે જ્ઞાતિકીય સમીકરણોના આધારે પાર્ટી ઉમેદવારોની પસંદગી કરતી હોય છે ત્યારે : કહેવાતી આંતરિક ખેંચતાણ વચ્ચે કયા સમાજના પ્રતિનિધિ સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થામાંથી પ્રતિનિધિત્વ કરશે ?! તે અંગે રાજકીય વર્તુળોથી લઈ સામાન્ય લોકો માટે બન્યો ચર્ચાનો વિષય

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૨:કેશોદ નગરપાલિકામાં તથા તાલુકા પંચાયત મા પ્રમુખ પદ માટે બક્ષીપંચસ્ત્રી અનામત હોય જેના કારણે જ્ઞાતિકીય સમીકરણો મુજબ ઉમેદવારની પસંદગી માટે ભારે રસાકસી સર્જાય તેવું માનવામાં આવે છે. આ અંગે રાજકીય પંડિતો પોતાના ગણિત માંડી રહ્યા છે.
તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ત્રણ સંસ્થાઓ (૧) નવ વોર્ડ નું ભૌગોલિક સીમાંકન ધરાવતી કેશોદ નગરપાલિકા ની ૩૬ બેઠક (૨) ૫૩ ગામડા ઓનું પ્રતિનિધિત્વ કરતી કેશોદ તાલુકા પંચાયત ની ૧૮ બેઠક તેમજ (૩) કેશોદ વિધાનસભા મતવિસ્તાર સાથે સંબંધ ધરાવતી જુનાગઢ જિલ્લા પંચાયત ની ૪ બેઠક માટે સામાન્ય ચૂંટણી યોજવામાં આવેલ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે સર્જાયેલ ત્રિપાંખિયા જંગ વચ્ચે ત્રણેય સંસ્થાઓમાં ભાજપ નો બહુમતી સાથે વિજય થયેલ હતો.
સ્થાનિક નગરપાલિકા તથા તાલુકા પંચાયતની વાત કરીએ તો નગરપાલિકામાં કુલ બેઠક ૩૬ માંથી ભાજપને ૩૩ તથા કોંગ્રેસને ૩ બેઠક મળેલ છે. જ્યારે તાલુકા પંચાયતમાં કુલ બેઠક ૧૮ માંથી ભાજપને, ૧૦,કોંગ્રેસને ૬ , આમ આદમી પાર્ટીને ૧ તથા અપક્ષને ૧ બેઠક મળેલ છે.
ચાલુ વર્ષે ૨૦૨૬ ની નવી ટીમ માટે જોગાનુજોગ નગરપાલિકા તથા તાલુકા પંચાયતમાં પ્રથમ ટર્મ ના અઢી વર્ષ દરમિયાન પ્રમુખ પદ માટે બક્ષીપંચ (ઓબીસી )સ્ત્રી માટે આરક્ષિત છે. ત્યારે મંડાઇ રહેલ જ્ઞાતિકીય ગણિત વચ્ચે વાતાવરણમાં રાજકીય ગરમાવો આવેલ છે. ભાજપ સ્થાનિક પાલિકામાં તથા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે કયાં સમાજ ને પ્રાયોરિટી આપશે ? તે રાજકીય વર્તુળો થી માંડી સામાન્ય લોકો માટે ચર્ચાનો વિષય બનેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ સામાન્ય રીતે કેશોદ વિધાનસભા મતવિસ્તાર માં જ્ઞાતિકીય સમીકરણ જોઈએ તો અહીંયા ઙ્કત્યેક ચૂંટણી દરમિયાન બહુમતી ધરાવતા પાટીદાર સમાજ, કોળી સમાજ, તથા આહીર સમાજ ના મત પરિણામો માટે નિર્ણાયક બનતા હોય છે. આમ રાજકીય રીતે આ ત્રણેય જ્ઞાતિ અહીં ભારે વર્ચસ્વ ધરાવે છે. સ્થાનિક પાલિકા તથા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે બક્ષીપંચ વર્ગના મહિલા ઉમેદવાર માટે આરક્ષિત છે. ત્યારે પ્રમુખ ની ચૂંટણી માટે હોડ માં રહેલ દાવેદારો ની આ ચર્ચામાં પાટીદાર સમાજનો પ્રશ્ન આવતો નથી. આ સ્થિતિ વચ્ચે કોળી સમાજ તથા આહિર સમાજ માથી જો ઉમેદવાર પસંદ કરવામાં આવે તો નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં થી કઈ સંસ્થામાં ભાજપના કયા સમાજના પ્રતિનિધિ પ્રતિનિધિત્વ કરશે તે તરફ હાલ તો જ્ઞાતિકય સમીકરણ ના આધારે સૌની મીટ મંડાયેલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક નગરપાલિકામાંથી બક્ષીપંચ વર્ગ ના પાંચ મહિલા ઉમેદવારો તથા તાલુકા પંચાયતમાંથી હાલ ત્રણ મહિલા ઉમેદવારો દાવેદાર હોવાનું માનવામાં આવે છે. જેમાં નગરપાલિકામા થી કોળી જ્ઞાતિ ના ૩ ઉમેદવાર, આહીર જ્ઞાતિ ના ૧ ઉમેદવાર તથા પ્રજાપતિ જ્ઞાતિ ના ૧ ઉમેદવાર તેમજ તાલુકા પંચાયતમાંથી કોળી જ્ઞાતિના ૧, આહિર જ્ઞાતિના ૧ તથા મહીયા દરબાર જ્ઞાતિના ૧ ઉમેદવાર નો સમાવેશ થતો હોવાનું કહેવાય છે. તાજેતરમાં ભાજપના મોવડીઓ દ્વારા સેન્સ પ્રક્રિયા ની ઔપચારિકતા પૂર્ણ કરી, પ્રમુખ પદની રેસમાં રહેલા દાવેદારો ની નામાવલી પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવેલ છે.
દરમિયાન જાણકારોના જણાવ્યા મુજબ સામાજિક અને ન્યાયિક રીતે બેલેન્સ જળવાઈ રહે અર્થાત કોઈ વાદ કે વિવાદ ન સર્જાય અને સૌ રાજી રહે તે બાબતને ધ્યાને લઈ સામાન્ય રીતે જ્ઞાતિકીય સમીકરણોને આધારે પાર્ટીના મોવડી મંડળ દ્વારા પ્રમુખ- ઉપપ્રમુખ પદ સહિતના હોદ્દાઓ માટે આગામી ચૂંટણીઓને લક્ષમાં લઈ ઉમેદવારોની પસંદગી અંગે નિર્ણયો લેવામાં આવતા હોય છે. આ સ્થિતિ વચ્ચે હાલ પ્રમુખ પદ માટે નગરપાલિકા તથા તાલુકા પંચાયત માટે આંતરીક ખેંચતાણ (લોબિંગ) ચાલી રહેલ હોવાનું કહેવાય છે . સ્થાનિક સ્વરાજ્યની બંને સંસ્થાઓમાં ઉપસ્થિત બંને સમાજના પ્રતિનિધિઓ દાવેદાર છે . ત્યારે આ બંને સંસ્થાઓ માંથી એક માં કોળી સમાજના તથા બીજી સંસ્થામાં આહિર સમાજના પ્રતિનિધિને પ્રતિનિધિત્વ આપવામાં આવશે તેવું મનાઈ રહેલ છે.
જોકે, આ આ બધી તો રાજકીય વર્તુળોમાં ચર્ચાતી જો..... અને તો..... ની વાત થઈ આમ છતાં ભાજપ હંમેશા ‘નવતર પ્રયોગ' કરવામાં અથવા તા‘સરપ્રાઈઝ' આપવામાં જાણીતું છે ત્યારે કોળી સમાજ, આહિર સમાજ ઉપરાંત પ્રજાપતિ સમાજ તથા મહિયા દરબાર સમાજ ના પ્રતિનિધિ પણ પ્રમુખ પદની હોડ મા છે અને સૌએ પોત પોતા ના રાજકીય કદ અને ક્ષમતા મુજબ પ્રમુખ પદ હાંસલ કરવા માટે નાપ્રયાસો હાથ ઘરેલ હોવાનું જાણવા મળેલ છે, ત્યારે કઈ સંસ્થામાં કયા સમાજના ઉમેદવાર ની પ્રમુખ તરીકેની પસંદગી થશે તે અંગે નું ચિત્ર નજીકનાજ ભવિષ્યમાં બંને સંસ્થાઓની મળનાર જનરલ બોર્ડની બેઠક બાદ સ્પષ્ટ થઈ જશે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
