<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

ઘાતક પૂરવાર થઈ શકતી ઘટના: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મધરાત્રે જર્જરિત

મકાન ધરાશાયી સ્થાનિકોની વારંવારની રજૂઆત છતાં તંત્રની ઘોર બેદરકારી; મોટી જાનહાની ટળતા લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ

ભાવનગર:ભાવનગરના ગીચ અને ઐતિહાસિક ચાવડી ગેટ વિસ્તારમાં ગત મોડી રાત્રે એક અતિ જર્જરિત મકાનનો મોટો ભાગ ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. રાત્રિના શાંત વાતાવરણમાં મકાનનો ભાગ ધડાકાભેર નીચે પછડાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ સ્થાનિક રહીશો દ્વારા મકાન માલિક અને મહાનગરપાલિકાના તંત્રની આળસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ મકાન ઘણા સમયથી જોખમી હાલતમાં હતું. સ્થાનિકોએ આ બાબતે મકાન માલિકને અને સ્થાનિક તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી. મકાન ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ હોવા છતાં જવાબદારો દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કે મકાન ઉતારી લેવાની તસ્દી લેવામાં આવી ન હતી. જેનો પરિણામ સ્વરૂપ ગત રાત્રે આ ગંભીર બનાવ બન્યો હતો.

સ્થાનિક રહીશોના મતે, આ માત્ર એક ઘટના નથી પરંતુ તંત્રની નિષ્ક્રિયતાનું પરિણામ છે. વિસ્તાર અત્યંત ગીચ હોવાથી અહીં અવાર-નવાર લોકોની અવર-જવર રહેતી હોય છે, જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો મોટી જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા હતી. "અમે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તંત્રએ કુંભકર્ણની નિદ્રા સેવી છે," તેમ રોષે ભરાયેલા સ્થાનિકોએ જણાવ્યું હતું.

ચાવડી ગેટ વિસ્તારમાં અનેક જૂના અને જોખમી મકાનો હોવા છતાં તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી કે સર્વેક્ષણ માત્ર કાગળ પર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે આ ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક અસરથી અન્ય જર્જરિત મકાનોનું લિસ્ટ બનાવી તેને દૂર કરવાની અથવા સમારકામ કરવાની માંગ ઉઠાવી છે. તંત્ર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

આ ઘટના બાદ હવે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે જોખમી મકાનો અંગે સર્વે કરી પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તંત્ર દ્વારા હવે આ મામલે તપાસની પ્રક્રિયા અને જોખમી બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

(2:34 PM IST)