તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
મહાદેવના શરણે જઈ વરસાદ માટે પ્રાર્થના :વેરાવળમાં છેલ્લા 26 વર્ષથી પરંપરા:વખારિયા બજારથી સોમનાથ સુધી 7 કિલોમીટર પદયાત્રા યોજી
સોમનાથ પહોંચ્યા બાદ વેપારીઓએ સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર થાય તથા ખેડૂતોનું વર્ષ સુધરે તે માટે વિશેષ પ્રાર્થના કરી

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની વિલંબિત સવારીને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ખેતી અને વેપાર-ધંધા પર વરસાદની સીધી અસર પડતી હોય, ત્યારે વેરાવળના જથ્થાબંધ અનાજ અને કરિયાણાના વેપારીઓએ પરંપરા મુજબ મહાદેવના શરણે જઈ વરસાદ માટે પ્રાર્થના કરી છે. છેલ્લા 26 વર્ષથી આ પરંપરા નિભાવતા વેપારીઓએ આજે વહેલી સવારે વખારિયા બજારથી સોમનાથ સુધીની 7 કિલોમીટર લાંબી પદયાત્રા યોજી હતી.
વેરાવળના વેપારીઓ માટે આ પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ આસ્થાનું પ્રતીક છે. દર વર્ષે જ્યારે વરસાદ ખેંચાય છે અથવા મોડો શરૂ થાય છે, ત્યારે વેપારીઓ એકત્ર થઈને સોમનાથ મહાદેવના આશીર્વાદ લેવા પહોંચે છે. વેપારી હિરેન ઉનડકટ અને નરેશભાઈ મૌનાણીએ જણાવ્યું હતું કે, "અમે છેલ્લા 26 વર્ષથી આ પરંપરા નિભાવી રહ્યા છીએ. જ્યારે પણ મેઘરાજા રિસાયા હોય ત્યારે મહાદેવ જ અમને ઉગારી શકે છે. કૃષિ અને વેપારનો આધાર વરસાદ પર છે, તેથી વહેલી તકે સારો વરસાદ થાય તેવી અમે ભોળાનાથને પ્રાર્થના કરી છે."
વખારિયા બજારથી નીકળેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. ભક્તિભાવ અને 'હર હર મહાદેવ'ના નાદ સાથે આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો. સોમનાથ પહોંચ્યા બાદ વેપારીઓએ સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરી હતી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર થાય તથા ખેડૂતોનું વર્ષ સુધરે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી. વેપારીઓનો આ અનોખો પ્રયાસ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાય અને જગતનો તાત ખુશહાલ બને તેવી એકમાત્ર ઈચ્છા સાથે વેપારીઓ આજે મહાદેવના ચરણે નમ્યા હતા.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
