તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ : બપોર બાદ ગાજવીજ સાથે ઝાપટાની આગાહી
વેધરમેન ઉત્તમ માળીની આગાહી: રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામશે

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૩ :ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવવાની સંભાવના છે. રાજ્યના જાણીતા યુવા વેધરમેન ઉત્તમ માળીની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે.
વેધરમેનની આગાહી મુજબ, ખાસ કરીને સૌરાષ્ટ્રના ચાર પ્રમુખ જિલ્લાઓ રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. આ વિસ્તારોમાં પવનની તીવ્ર ગતિ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ સંભાવના છે.
આજે અમરેલી, રાજકોટ અને બોટાદ સુધીના વિસ્તારોમાં 'લો લેવલ' ભેજ સારી માત્રામાં ફેલાયેલો છે. આ સાનુકૂળ સ્થિતિને કારણે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવશે. પરિણામે, ધૂળની ડમરીઓ અને ભારે પવન ફૂંકાવા સાથે આકાશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામશે.
ખેડૂતોને તથા નાગરિકોને હવામાન વિભાગ દ્વારા સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
