તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
જામનગર મહાનગરપાલિકાની મતગણતરી માટે હરિયા કોલેજ ખાતે તૈયારીઓ પૂર્ણ, આવતીકાલે સવારે ૮ વાગ્યાથી ગણતરી
૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે ૪ ઝોનમાં ૧૨ ટેબલ પર રાઉન્ડવાર ગણતરી; બપોરે ૧.૦૦ વાગ્યા સુધી પરિણામ જાહેર થવાની શક્યતા

જામનગર:જામનગર મહાનગરપાલિકાની ૧૬ વોર્ડની ૬૩ બેઠકો (૧ બિનહરીફ) માટે ગઇકાલે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી યોજાનાર છે. આ માટે ચૂંટણી તંત્ર દ્વારા હરિયા કોલેજ ખાતે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મતગણતરીને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે કુલ ચાર ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ઝોનમાં વોર્ડ નંબર ૧ થી ૪, બીજા ઝોનમાં ૫ થી ૮, ત્રીજા ઝોનમાં ૯ થી ૧૨ અને ચોથા ઝોનમાં ૧૩ થી ૧૬ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક ઝોનમાં અલગ અલગ ૧૨ ટેબલો ગોઠવી તબક્કાવાર મતગણતરી હાથ ધરવામાં આવશે.
મતગણતરીની પ્રક્રિયામાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ઇવીએમ મશીનો ખોલીને મતગણતરી શરૂ કરવામાં આવશે અને તબક્કાવાર પરિણામ જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર ૧, ૫, ૯ અને ૧૩ની ગણતરી પૂર્ણ કરીને તેના પરિણામ જાહેર કરાશે. ત્યારબાદ બીજા તબક્કામાં વોર્ડ નંબર ૨, ૬, ૧૦ અને ૧૪ની ગણતરી થશે. આ જ રીતે તબક્કાવાર પ્રક્રિયા ચાલુ રાખી તમામ વોર્ડની મતગણતરી પૂર્ણ કરવામાં આવશે.
ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ, મતગણતરી સવારે ૮ વાગ્યે શરૂ થશે અને બપોરે અંદાજે ૧.૦૦ વાગ્યા સુધીમાં તમામ પરિણામ જાહેર થઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
