હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરમાં જલારામ જયંતી ઉજવવા તડામાર તૈયારીઓઃ ત્રણ દિવસીય મહોત્સવ
અન્નકોટ, ધુન ભજન, રોટલા મનોરથ, મહાઆરતી અને ગરબાનું આયોજનઃ મનોરથમાં સહભાગી થવા ઇચ્છતા ભકતોની નામ નોંધણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૩: નવા જલારામ મંદિરે ૨૨૬મી જલારામ જયંતી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. જલારામ જયંતી અવસરે ત્રિ-દિવસીય મહોત્સવમાં અન્નકોટ, ધૂન-ભજન,રોટલા મનોરથ અને મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
એસ.ટી. રોડ પર આવેલા નવા જલારામ મંદિરે જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતી નિમિત્તે ત્રિ-દિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૧૪,૧૫,૧૬ નવેમ્બર,૨૦૨૬ દરમિયાન ત્રિ-દિવસીય મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જલારામ જયંતી અવસરે નવેમ્બરમાં તા.૧૪ શનિવારે બપોરે ૫:૦૦ વાગ્યાથી જલારામ બાપાને અન્નકોટ ધરાવવામાં આવશે.અન્નકોટ મનોરથમાં સહભાગી થવા માંગતા ભક્તોએ મંદિર કાર્યાલયનો સંપર્ક કરી પહોંચ મેળવી લેવા અનુરોધ છે. તા. ૧૫ ને રવિવારે સાંજે ૫ કલાકે પાટા પાસે આવેલ જી.ઈ.બી ઓફિસ પાસે થી નવા જલારામ મંદિર સુધી વાજતે-ગાજતે જલારામ બાપાની ધ્વજાજીના સામૈયા કરવામાં આવશે,અને રાત્રે ૯ વાગ્યાથી ભવ્ય ધૂન-ભજન અને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
નવેમ્બરની તા. ૧૬ ને સોમવાર જલારામ જયંતીના પાવન દિવસે વહેલી સવારે ૭ વાગ્યે પાટોત્સવ પૂજા અને ધ્વજાજી મનોરથ બાદ રોટલા મનોરથ યોજાશે. ભક્તો સવારે ૧૧ વાગ્યા સુધી પોતાના ઘરેથી રોટલા બનાવી નવા જલારામ મંદિરે ધરી શકશે, ધરાવેલા રોટલા પ્રસાદી સ્વરૂપે મંગળવાર સવારથી ભક્તોને વિતરણ કરવામાં આવશે.
આ ત્રી-દિવસીય મહોત્સવને ધામધૂમથી ઉજવવા તમામ ધર્મપ્રેમી ભક્તો ઉત્સાહભેર સહભાગી થવાનો અનુરોધ જલારામ સેવા સમિતિ,નવા જલારામ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ હિતેશભાઈ ઠકરાર, અતુલભાઈ કારીયા, મુકેશભાઈ ખખ્ખર તથા મહિલા મંડળ અને યુવા ટીમ દ્વારા એક યાદીમાં કરવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
