<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

અમરેલીના ખાંભાના તાલડા ગામ નજીક કુવામાં ડૂબી જવાથી ખાનગી બસના ડ્રાઈવરનું મોત

દહીડા ગામના રહેવાસી અને ખાનગી બસના ડ્રાઈવર શિવુભાઈ વાળા બપોરના સમયે નાહવા માટે કુવામાં ગયા હતા જ્યાં અચાનક ડૂબી જતા મોત

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાલડા ગામ નજીક દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો છે. દહીડા ગામના રહેવાસી અને ખાનગી બસના ડ્રાઈવર શિવુભાઈ વાળાનું કુવામાં ડૂબી જવાથી મોત થયું હતું. માહિતી મુજબ શિવુભાઈ બપોરના સમયે નાહવા માટે કુવામાં ગયા હતા, દરમિયાન અચાનક પાણીમાં ડૂબી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કુવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકત્ર થયા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માતે ડૂબી જવાથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

ફાયર વિભાગ દ્વારા મૃતદેહ બહાર કાઢ્યા બાદ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.

(8:55 PM IST)