<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

કચ્છના પ્રગતિશીલ ખેડૂતો સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યા છે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કચ્છના ૧.૧૯ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૨૩.૯૧ કરોડથી વધુની સહાય ચૂકવાઈ, ખેડૂતોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે: સાંસદ વિનોદભાઈ ચાવડા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૧ :  ભુજના ગોકુલધામ સમાજવાડી, કોટડા ઉગમણા ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને તથા કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાની સહાય દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી જમા કરાવી હતી. કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના સંબોધન અને સહાય વિતરણનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતાં રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, કચ્છના સર્વાંગી વિકાસનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. એક સમયે દુષ્કાળગ્રસ્ત જિલ્લા તરીકે ઓળખાતો કચ્છ ભૂકંપ બાદ સરકારના પ્રયાસોથી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. આજે કચ્છ સમગ્ર દેશના લોકોને રોજગારી પૂરી પાડે છે અને અનેક ઉદ્યોગો અહીં સ્થાપિત થવા માટે તત્પર છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતો પોતાની મહેનત અને નવીન ખેતી પદ્ધતિઓથી સમગ્ર દેશના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

તેમણે ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથે જ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવી તેમને સક્ષમ બનાવવા વાલીઓને અપીલ કરી હતી. બનાસકાંઠાથી વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનારા વિવિધ પ્રોજેક્ટ અંગે નાગરિકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ખેતીનાં સાધનો અને અન્ય જરૂરી સામગ્રીની ખરીદી માટે મળતી આર્થિક સહાયથી ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનશ્રીના દૂરંદેશી અને નિષ્ઠાવાન નેતૃત્વના પરિણામે કચ્છે વિકાસનાં તમામ ક્ષેત્રોમાં આગવી ઓળખ ઊભી કરી છે. અનેક કુદરતી આપદાઓનો સામનો કરનાર કચ્છ આજે ઉદ્યોગ, કૃષિ વિકાસ અને સરહદી ડેરી જેવી પહેલોથી પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. આ પરિવર્તન બદલ તેમણે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલાએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા કચ્છ જિલ્લામાં ૭૫ સ્થળોએ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

વડાપ્રધાનશ્રી દ્વારા યોજનાના ૨૪મા હપ્તા પેટે દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાય મળી છે. જ્યારે કચ્છ જિલ્લામાં ૧.૧૯ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૨૩.૯૧ કરોડથી વધુની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોએ બાગાયત, પશુપાલન, મિશન મંગલમ સખી મંડળો અને કૃષિ આધારિત વિવિધ યોજનાઓના સ્ટોલની મુલાકાત લીધી હતી. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે હેતુથી જીવામૃત બનાવવાની પ્રત્યક્ષ તાલીમ પણ આપવામાં આવી હતી. ખેતી અને પશુપાલન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા પ્રગતિશીલ ખેડૂતો તથા પશુપાલકોને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી રાજેશભાઈ ચાવડા, અગ્રણીશ્રીઓ દેવજીભાઈ વરચંદ, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોલ, એપીએમસીના ડિરેક્ટરશ્રી શંભુભાઈ જરુ, કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિકુંજ પરીખ, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ગામોના સરપંચશ્રીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(9:16 AM IST)