<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ઘર છોડીને નીકળેલા અસ્વસ્થ વૃદ્ધાને યોગ્ય કાઉન્સેલિંગ કરી સુરક્ષિત આશ્રય અપાવતું દેવભૂમિ દ્વારકાનું ‘સખી-વન સ્ટોપ સેન્ટર’, પુત્રીની સંમતિથી વૃદ્ધાશ્રમમાં કરાઈ વ્યવસ્થા

181 અભયમ હેલ્પલાઇન મારફતે ગુમસુમ બેઠેલા 60 વર્ષીય વૃદ્ધાની જાણ થતા તાત્કાલિક મદદ પહોંચાડી, માનસિક બીમારીથી પીડિત માતાને સાચવવી મુશ્કેલ હોવાથી પુત્રીએ કરી વૃદ્ધાશ્રમની વિનંતી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને રચાયેલી જિલ્લા કક્ષાની દેખરેખ સમિતિના માર્ગદર્શન હેઠળ જામ ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત ‘સખી’ વન સ્ટોપ સેન્ટરે એક અસ્વસ્થ નિરાધાર વૃદ્ધ મહિલાને સુરક્ષિત આશ્રય અપાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સેન્ટરમાં પીડિત મહિલાઓને કાઉન્સેલિંગ, હંગામી આશ્રય, તબીબી, કાયદાકીય અને પોલીસ સહાય જેવી સેવાઓ એક જ છત નીચે પૂરી પાડવામાં આવે છે.

 

એક જાગૃત નાગરિક દ્વારા રાત્રીના સમયે 181 મહિલા અભયમ હેલ્પલાઇનમાં જાણ કરવામાં આવી હતી કે એક અંદાજે 60 વર્ષના વૃદ્ધ મહિલા ગુમસુમ હાલતમાં બેઠા છે. કોલ મળતાની સાથે 181ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તેમની સાથે સામાન્ય પૂછપરછ કરી હતી. પરંતુ મહિલા દ્વારા સંતોષકારક માહિતી કે પ્રતિભાવ ન મળતા તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈને તેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.

 

સેન્ટર ખાતે વૃદ્ધાને આરામ તથા માનસિક સ્વસ્થતા મળે તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ તેમની ઓળખ અને પરિવારજનોની માહિતી મેળવવા પ્રયત્નો કરાયા હતા. તેમની પુત્રીનો સંપર્ક મળતાં બીજા દિવસે તેમને રૂબરૂ સેન્ટર પર બોલાવવામાં આવ્યા હતા.

 

પુત્રીએ જણાવ્યું કે સાસરીમાં માતાની યોગ્ય સંભાળ રાખવી મુશ્કેલ છે. ઉપરાંત માનસિક બીમારીની સ્થિતિમાં વારંવાર તેઓ કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જતા હોવાથી તેમને પોતાની સાથે રાખવા શક્ય નથી. આથી લાંબા ગાળાના આશ્રય માટે વૃદ્ધાશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરવામાં આવી હતી.

 

પુત્રીની લેખિત સંમતિ મેળવીને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે વૃદ્ધાશ્રમનો સંપર્ક કર્યો હતો. વૃદ્ધાશ્રમ દ્વારા સ્વીકાર કરાતા સેન્ટરની ટીમ દ્વારા વૃદ્ધાને વૃદ્ધાશ્રમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

 

આમ, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમના પ્રયાસોથી અસ્વસ્થ નિરાધાર વૃદ્ધ મહિલાને સુરક્ષિત આશ્રય તથા યોગ્ય સંભાળ ઉપલબ્ધ કરાવવામાં સફળતા મળી હતી.

(11:40 AM IST)