News of Sunday, 21st June 2026
દસાડા-કઠાડા રોડ પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલા PSI એચ.કે.મલેકનું સારવાર દરમિયાન મોત
આ ઘાતક અકસ્માતમાં અગાઉ એક નિવૃત નાયબ મામલતદાર અને એક મહિલાના પણ મોત થયા હતા: આ દુર્ઘટનાનો કુલ મૃત્યુઆંક હવે 3 થયો

સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચાવી દીધી છે. દસાડા-બહુચરાજી હાઈવે પર કઠાડા પાસે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) એચ.કે. મલેકનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. આ ઘાતક અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ ગત 15 જૂનના રોજ મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં PSI તરીકે ફરજ બજાવતા જાંબાઝ યુવાન એચ.કે. મલેક પોતાની કાર લઈને પાટણ જિલ્લાના વારાહી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન દસાડા-બહુચરાજી હાઈવે પર કઠાડા ગામ પાસે સામેથી પૂરઝડપે આવી રહેલા એક બેફામ ટ્રેલર સાથે તેમની કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ જીવલેણ અકસ્માતમાં PSI મલેકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તુરંત જ તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અકસ્માત અગાઉ એક નિવૃત નાયબ મામલતદાર અને એક મહિલાનું પણ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. PSI ના અવસાન સાથે આ અકસ્માતનો કુલ મૃત્યુઆંક હવે 3 પર પહોંચી ગયો છે. એક સાથે ત્રણ લોકોના મોતના સમાચારથી સમગ્ર સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી ટ્રેલર ચાલક વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
દિવંગત PSI એચ.કે. મલેક અગાઉ ભારતીય સેનામાં પોતાની દેશસેવા બજાવી ચૂક્યા હતા. આર્મીમાંથી નિવૃત્ત (Retired) થયા બાદ પણ દેશ અને રાજ્યની રક્ષા કરવાનો તેમનો જઝબો અકબંધ હતો, જેથી તેઓ ગુજરાત પોલીસ વિભાગમાં જોડાયા હતા. એક નીડર, યુવાન અને સમર્પિત અધિકારી તરીકે આખા વિભાગમાં તેમની ભારે પ્રશંસા થતી હતી.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
