તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
કચ્છમાં PGVCLની કામગીરી સામે પ્રજાનો આક્રોશ ચરમસીમાએ! પહેલા જ વરસાદમાં ભુજ અંધારપટમાં ગરકાવ થતાં ઉગ્ર આંદોલનની ચીમકી
પ્રિ-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ ઉઘાડા પડ્યા, સામાન્ય છાંટા પડતાં જ 60% ફીડરો ઠપ અને કંટ્રોલરૂમમાં 600થી વધુ ફરિયાદોનો અંબાર ખડકાયો

ભુજ : કચ્છ જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ની કથળતી જતી સેવાઓ અને બેદરકારી સામે સ્થાનિક ગ્રાહકો, વેપારીઓ અને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ચોમાસાની શરૂઆતમાં જ માત્ર એકાદ ઈંચ જેટલા મામૂલી વરસાદમાં PGVCL ની પોકળ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. પૂર્વ સૂચના વગર અવારનવાર થતા અઘોષિત વીજકાપને કારણે કચ્છીજનોનું જનજીવન ભારે અસ્તવ્યસ્ત બની ગયું છે.
ચોમાસાના પ્રારંભે જ કચ્છના મુખ્યમથક ભુજ શહેરના 60 ટકાથી વધુ ફીડરોમાં ક્ષતિ સર્જાતાં આખું શહેર અંધારપટમાં ગરકાવ થઈ ગયું હતું. વીજ વિક્ષેપને પગલે કંટ્રોલ રૂમ પર 600થી પણ વધુ ફરિયાદોનો અંબાર ખડકાયો હતો. એક તરફ ખોરવાયેલા વીજ પુરવઠા અને અસહ્ય બફારાથી લોકો ત્રસ્ત છે, તો બીજી તરફ દર મહિને આવતા અધધ વીજ બિલથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. મુશ્કેલીના સમયે મદદ માટે કંટ્રોલ રૂમ પર ફોન કરવા છતાં નો-રિપ્લાય મળતાં લોકોનો આક્રોશ બેવડાયો છે.
સ્થિતિ થાળે પાડવા તંત્ર દ્વારા 15થી વધુ ટેકનિકલ ટીમો મેદાનમાં ઉતારાઈ હોવાનો દાવો કરાયો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ખાસ કરીને ભૂકંપ બાદ ભુજમાં બનેલી રિલોકેશન સાઈટ્સમાં તો સામાન્ય છાંટા પડે ત્યાં જ 7 થી 8 કલાક સુધી વીજળી ગુલ થઈ જવી એ રોજિંદો સિલસિલો બની ગયો છે.
મુંદરા રોડ સ્થિત રિલોકેશન સાઈટની મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે વીજ કંપનીના અધિકારીઓ વરસતા વરસાદમાં રૂબરૂ ઓફિસે આવી ફરિયાદ લખાવી જવાનો ઉદ્ધત જવાબ આપી રહ્યા છે. PGVCL ની આ નિષ્ક્રિયતા અને અણછાજતા વર્તન સામે જનતામાં તીવ્ર આક્રોશ છે. જો વહેલી તકે વીજ પુરવઠો નિયમિત કરી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે, તો વીજ કચેરી સમક્ષ ઉગ્ર આંદોલન કરવાની કડક ચીમકી આપવામાં આવી છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
