News of Friday, 22nd May 2026
ગોંડલમાં વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પાલિકા પ્રમુખે જાતે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૨: ગોંડલ શહેરમાં આગામી વસ્તી ગણતરી-૨૦૨૭ ની તૈયારીઓના ભાગરૂપે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે સ્વ વસ્તી ગણતરી અભિયાનને પ્રોત્સાહન આપતો એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી ડિજિટલ સુવિધાનો શહેરીજનો મહત્તમ લાભ લે અને જાતે જ ઓનલાઈન પોતાની વિગતો નોંધાવે તેવો અનુરોધ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમજ નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન દીપકભાઈ ગોવાણીએ પોતે જ ડિજિટલ માધ્યમથી પોતાની સ્વ ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેમણે આ સાથે ગોંડલ શહેરની જનતાને પણ આ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાવા માટે આહવાન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રના નિર્માણમાં દરેક નાગરિકનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. વસ્તી ગણતરીની પ્રક્રિયા એ માત્ર આંકડાઓ એકત્ર કરવાની પ્રક્રિયા નથી, પરંતુ તે ભવિષ્યમાં આવનારી તમામ વિકાસલક્ષી યોજનાઓનો મજબૂત પાયો છે. ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દરેક નાગરિકે સ્માર્ટ બનીને પોતાની રીતે જ ઓનલાઈન સ્વ-ગણતરીમાં ભાગ લેવો જોઈએ.
આ જનજાગૃતિ કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા, દીપકભાઈ ગોવાણી, ઉપપ્રમુખ મનસુખભાઈ રૈયાણી, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ સાહેબ, હરેશભાઈ મકવાણા, આશુતોષભાઈ મહેતા તેમજ ગોંડલ વસ્તી ગણતરીના ફિલ્ડ ટ્રેનર મહેશભાઈ ચોટલિયા અને યોગેશકુમાર પિત્રોડા સહિતના આગેવાનો અને અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
