<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જામનગર મુલાકાતમા પ્રથમ વખત QR કોડ આધારિત પાર્કિંગ પ્લાન જાહેર, નાગરિકોને ડિજિટલ મેપથી સ્થળ સુધી પહોંચવાની સુવિધા

કલેક્ટર પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તંત્રએ ટ્રાફિક વ્યવસ્થા માટે વિસ્તૃત ગાઈડલાઈન બહાર પાડી; VIP માટે સેવા સદન, બસો માટે ઓવરબ્રિજ નીચે અને ટુ-વ્હીલર માટે ટાઉન હોલ ખાતે વ્યવસ્થા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગર ખાતેની સૂચિત મુલાકાતને અનુલક્ષીને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુગમ રહે અને નાગરિકોને કોઈ હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રથમ વખત QR કોડ પદ્ધતિ સાથે પાર્કિંગ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. આ ડિજિટલ વ્યવસ્થાથી નાગરિકો મોબાઈલમાં મેપ સ્કેન કરીને નિર્ધારિત પાર્કિંગ સ્થળ સુધી સરળતાથી પહોંચી શકશે.

 

 

કોણે બનાવ્યો પ્લાન?

 

 

 

જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, આર.ટી.ઓ. એ.જે. વ્યાસ, પંચાયત કાર્યપાલક ઇજનેર કે.બી.છૈયા તથા આસી.ટાઉન પ્લાનર ઊર્વીલ દેસાઈ દ્વારા વાહન પાર્કિંગ અને રૂટની વિગતવાર ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

 

ક્યાં કોના માટે પાર્કિંગ?

 

*વી.આઈ.પી. વાહનો*: જામનગર મહાનગર સેવા સદન ખાતે અંદાજે 60 પાસધારક ફોર-વ્હીલર વાહનો માટે પાર્કિંગ. રણમલ તળાવ પેરિફેરીથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સવાળા રસ્તે પ્રવેશ મળશે.

 

બસો અને ફોર વ્હીલર

 

- રાજકોટ રોડ તરફથી આવતી બસો અને ફોર વ્હીલર અંબર ચોકડીથી સુભાષ બ્રિજ વચ્ચેના ઓવરબ્રિજ નીચેના ગાળામાં પાર્ક કરી શકાશે.

- દ્વારકા, ખંભાળિયા કે લાલપુર તરફથી આવતી બસો માટે લાલપુર ચોકડીથી પવનચક્કી થઈને જોલી બંગલા પાસે ગુજરાત ટ્રાવેલ્સવાળા રોડ પર પાર્કિંગ, પીકઅપ અને ડ્રોપ પોઈન્ટની સુવિધા.

 

સામાન્ય જનતાના વાહનો

 

- *ટુ-વ્હીલર*: ટાઉન હોલ ખાતે અંદાજે 1800 ટુ-વ્હીલર માટે જગ્યા. સુભાષ બ્રિજ, ગ્રેઈન માર્કેટ અને રણજીત રોડ તરફથી આવતા વાહનો પાર્ક થઈ શકશે. રણમલ લેક પાર્કિંગ ખાતે 1100 ટુ-વ્હીલરની વ્યવસ્થા.

- *ફોર-વ્હીલર*: તિબેટીયન માર્કેટમાં 80 વાહનોની ક્ષમતા. રણમલ લેક પાર્કિંગ ખાતે 100 ફોર-વ્હીલર પાર્ક થઈ શકશે.

 

તમામ સ્થળોએથી નાગરિકોએ પગપાળા ચાલીને મુખ્ય કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવાનું રહેશે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને આ આધુનિક QR કોડ પદ્ધતિનો ઉપયોગ કરી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે.

(1:04 PM IST)