<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેની ગુણવતા સામે સવાલ રૂ. 4,876 કરોડના ખર્ચે તૈયાર થયેલા હાઈવેના નબળા કામ

મોરડીયા ગામ નજીક આવેલા ઓવરબ્રિજ પર મોટા પ્રમાણમાં તિરાડો પડતાં હાઈવેના નિર્માણકાર્ય સામે સવાલો ઊઠવા પામ્યા

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. રૂ. 4,876 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ હાઈવેના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મોરડીયા ગામ નજીક  આવેલા ઓવરબ્રિજ પર મોટા પ્રમાણમાં તિરાડો પડતાં હાઈવેના નિર્માણકાર્ય સામે સવાલો ઊઠવા પામ્યા છે.  


વર્ષ 2016માં શરૂ થયેલા અને 256 કિલોમીટર લાંબા આ નેશનલ હાઈવેના નિર્માણ પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમ છતાં, મોરડીયા ગામ નજીકનો ઓવરબ્રિજ શરૂ થયાના માત્ર એક વર્ષમાં જ તિરાડો પડવાની ઘટના સામે આવતાં બાંધકામની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ થોડા સમય પહેલાં ગોરખમઢી નજીકના ઓવરબ્રિજ પર પણ ગાબડાં પડવાની ઘટના સામે આવી હતી.

એક પછી એક સામે આવતી આવી ઘટનાઓને પગલે હાઈવેના બાંધકામમાં વપરાયેલી સામગ્રી અને ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા હાઈવે પર આ પ્રકારની સ્થિતિ સર્જાતાં સરકારી નાણાંના યોગ્ય ઉપયોગ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવવાની અને બાંધકામમાં ખામી જણાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને બાંધકામની ગુણવત્તામાં ખામી સામે આવે તો જવાબદારો સામે કેવાં પગલાં લેવામાં આવે છે. કરોડોના ખર્ચે બનેલા આ હાઈવેની ગુણવત્તા જાળવવા માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, તેના પર સૌની નજર છે.

(11:41 PM IST)