<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

વરસાદ ખેંચાયો, ખેડૂતોનો પાક સુકાયો - રાજુલા માર્કેટ યાર્ડ ચેરમેનની જળસંપત્તિ મંત્રીને રજૂઆતઃ સૌની યોજના ફેઝ-૨ હેઠળ ડેમો-તળાવોમાં તાત્‍કાલિક પાણી છોડો

રાજેશભાઈ પરસાણાએ મંત્રી ઈશ્વરભાઈ પટેલને પત્ર લખી કરી માંગ, લીંક-૨ પેકેજ નીચેના ડેમો, ચેકડેમો, તળાવો, નદીઓમાં પાણી છોડો તો ખેતી બચે, ચોમાસાની સીઝનમાં વાવેતર કરેલા પાકને પાણીની તાતી જરૂરઃ ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકીને પણ રજૂઆત

(જગદીશ ઝાંખરા દ્વારા) રાજુલા, તા. ૨૯: રાજુલા માર્કેટ યાર્ડના ચેરમેન અને રાજુલા ખાંભા તા.સ.ખ.વે. સંઘના ડિરેક્‍ટર રાજેશભાઈ આર. પરસાણાએ જળસંપત્તિ મંત્રી ઈશ્વરભાઈ પટેલને પત્ર લખીને સૌની યોજના ફેઝ-૨ હેઠળના ડેમો, ચેક ડેમો, તળાવો અને નદીઓમાં તાત્‍કાલિક પાણી છોડવાની માંગ કરી છે.

પત્રમાં ચેરમેનશ્રીએ જણાવ્‍યું છે કે છેલ્‍લા ઘણા દિવસોથી વરસાદ થયેલ નથી. હાલ વરસાદની ખેંચ હોવાથી ચોમાસાની સીઝન દરમિયાન ખેડૂતો દ્વારા ખેતરમાં જે પાકનું વાવેતર કરવામાં આવેલ છે, તે પાકને પાણીની ખૂબ જ જરૂર છે.

પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે સૌની યોજના ફેઝ-૨ હેઠળ લીંક-૨ પેકેજ નીચે આવતા જે જે ડેમો, ચેક ડેમો, તળાવો, નદીઓમાં પોઈન્‍ટ આપેલા હોય, ત્‍યાં ત્‍યાં સૌની યોજના હેઠળનું પાણી છોડવામાં આવે, તો ખેડૂતોના ખેતરમાં વાવેલ પાકને પાણી મળી રહે અને ખેડૂતોનો ખેતી પાક બચી શકે.

રાજેશભાઈએ વહેલી તકે સૌની યોજના ફેઝ-૨ હેઠળ ખાલી પડેલા ડેમો, ચેક ડેમો, તળાવો, નદીઓમાં પાણી છોડીને તેની નીચે નહેર વિસ્‍તારમાં પાણી આપવા વિનંતી કરી છે. આ પત્રની નકલ રાજુલા-જાફરાબાદ-ખાંભાના ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકીને પણ મોકલવામાં આવી છે

(11:11 AM IST)