<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક તાલુકામાં વહેલી સવારથી ઝાપટાથી માંડીને ધીમીધારે વરસાદ : જામનગરમાં છાંટા

ગોંડલ, બગસરા, જુનાગઢ, હિંમતનગર સહિતના વિસ્તારોમાં ઝરમરથી ધીમીધારે વરસાદ પડ્યો : સર્વત્ર ધોધમાર વરસાદની રાહ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૮ આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્રથી લઈને મધ્ય અને પૂર્વ ગુજરાત સુધીના વિસ્તારોમાં ઝરમરથી લઈને ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને વાહનચાલકોએ સાવધાની રાખવી પડી રહી છે.

ગોંડલ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છે અને રોડ ઉપર પાણી વહેતા થયા છે. વરસાદને કારણે વાહનચાલકોએ હેડલાઈટ અને વાઈપર ચાલુ કરવા પડ્યા છે. ગોંડલના નવા યાર્ડ વિસ્તારમાં પણ રોડ પર પાણી ભરાયા છે.

આ ઉપરાંત બગસરાના પિઠડિયા, જુનાગઢના મેંદરડા, હિંમતનગર, ઉમેઠી, છોટાઉદેપુર અને વાઘોડિયામાં પણ વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે તો કેટલાક ભાગોમાં વરસાદની ધાર ચાલુ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની અને છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખેડૂતો માટે આ વરસાદ વાવણી માટે લાભદાયી બની રહ્યો છે, પરંતુ શહેરી વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો તંત્રએ તાત્કાલિક પગલા લેવા પડે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

   જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર:જામનગરમાં આજે બપોરે 11:00 વાગ્યાથી છાંટા શરૂ થયા છે અને વધુ વરસાદની આશા બંધાઈ છે.

(11:31 AM IST)