તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
મોરબીમાં મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે 'રેનબસેરા કા રાજા' ગણેશ મહોત્સવમાં યોજાઈ મહાઆરતી.
કમિશનર સંગીતા રૈયાણી અને ડેપ્યુટી કમિશનરોની ઉપસ્થિતિમાં નિરાધારો સાથે આરતી અને મહાપ્રસાદનું આયોજન: આશ્રિતોની સુખાકારી અંગે મેળવી જાણકારી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે 'રેનબસેરા કા રાજા' ગણેશ મહોત્સવ અંતર્ગત ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરી ઘરવિહોણા લોકો માટે સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત અને મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ ચાલતા આ આશ્રયગૃહ ખાતે ગત 22 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 કલાકે મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી (IAS), ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયા અને ડેપ્યુટી કમિશનર સંજયકુમાર સોની દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. આરતી પૂર્ણ થયા બાદ રેનબસેરાના તમામ આશ્રિતોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન કમિશનરે આશ્રયગૃહમાં રહેતા નાગરિકો સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી અને તેમની સુખાકારી તેમજ આશ્રયગૃહમાં ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. મોરબી મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદ અને ઘરવિહોણા નાગરિકોને સુરક્ષિત આશ્રય, સ્વચ્છ વાતાવરણ તથા જરૂરી સુવિધાઓ મળી રહે તેવા સતત પ્રયાસો થઈ રહ્યા છે.
આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો થકી આશ્રયગૃહમાં રહેતા નિરાધાર નાગરિકોમાં પણ સામાજિક જોડાણ અને ઉત્સાહનું વાતાવરણ ઊભું થાય તેવો ઉમદા હેતુ રહેલો છે. આ મહાઆરતીના કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, આશ્રયગૃહના સંચાલકો તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
