<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

હળવદ પાસે બ્રાહ્મણી નદીમાં ચાલતા ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જ આઈજીની ટીમનો દરોડો :રૂ.80 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ રેન્જની ટીમે સ્થળ પરથી જપ્ત કરેલા તમામ વાહનો અને અંદાજે રૂ.80 લાખની કિંમતનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી માટે હળવદ પોલીસ મથકે લાવીને સ્થાનિક પોલીસને હવાલે કર્યો

મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી વહેતી બ્રાહ્મણી નદીમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર રાજકોટ રેન્જ આઈજીની ટીમે આકસ્મિક દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. નદીના પટમાંથી મોટા પાયે થઈ રહેલા ગેરકાયદે ખનન અને વહન પર ત્રાટકેલી પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ.80 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ રેન્જ ટીમની આ આક્રમક કાર્યવાહીને પગલે સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

હળવદની બ્રાહ્મણી નદીમાં સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાની ચોક્કસ બાતમી રાજકોટ રેન્જની ટીમને મળી હતી. આ બાતમીના આધારે હળવદ પોલીસને અંધારામાં રાખીને રેન્જની ટીમે સીધો દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન નદીની અંદરથી ખનન કાર્યમાં ઉપયોગમાં લેવાતું એક ભારેખમ હિટાચી મશીન, ખનીજ ભરીને જતા એક ડમ્પર અને નદીના પાણીમાં રેતી કાઢવા માટે વપરાતા એક હોડકા સહિતના વાહનોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

રાજકોટ રેન્જની ટીમે સ્થળ પરથી જપ્ત કરેલા તમામ વાહનો અને અંદાજે રૂ.80 લાખની કિંમતનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી માટે હળવદ પોલીસ મથકે લાવીને સ્થાનિક પોલીસને હવાલે કર્યો છે. પોલીસે આ મામલે અખાધ્ય ખનન કરનારા તત્વો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અથવા રેન્જ કક્ષાએથી થયેલી આ સીધી કાર્યવાહીને કારણે સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે, જ્યારે ભૂમાફિયાઓમાં દોડધામ મચી ગઈ છે.

(7:49 PM IST)