News of Tuesday, 27th October 2026
27 વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજુલા પોલીસે નાગપુરથી ઝડપી પાડ્યો
રાજુલા પોલીસ સ્ટેશમાં 1999માં નોંધાયેલ પોલીસ ફરિયાદમા 27 વર્ષથી નાસતા-ફરતા લીસ્ટેડ આરોપીને નાગપુરથી રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમએ દબોચી લીધો

અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશમાં 1999માં નોંધાયેલ પોલીસ ફરિયાદમા 27 વર્ષથી નાસતા-ફરતા લીસ્ટેડ આરોપીને નાગપુરથી રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમએ દબોચી લઈ કાર્યવાહી કરી SPએ કામગીરીને બિરદાવી હતી.
ગુજરાત પોલીસની ખાખી ગુનો કરીને વર્ષો સુધી છુપાયેલા આરોપીઓને શોધી કાઢવાની ક્ષમતા ફરી એકવાર સામે આવી છે. અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999માં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 27 વર્ષથી નાસતા-ફરતા આરોપી અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશીને મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. રાજુલા પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી આરોપીને શોધી કાઢી રાજુલા લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તા. 8 ડિસેમ્બર, 1999ના રોજ નોંધાયેલા ગુનામાં આરોપી મહેતા ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તે સમયે રાજુલા તાલુકાના કોવાયા નજીક આવેલી કંપનીમાંથી સિમેન્ટની 30 ટન એટલે કે 600 બોરી ભરી સુરત ખાતે પહોંચાડવા માટે ટ્રક રવાના કરવામાં આવી હતી. જોકે, તળાજા નજીક મુરલીધર હોટલ પાસે અન્ય આરોપીઓ સાથે મળીને સિમેન્ટ બારોબાર વેચી દેવામાં આવ્યો હતો અને ટ્રક ત્યાં જ મૂકીને આરોપી ફરાર થઈ ગયો હતો. તે સમયે સિમેન્ટની અંદાજિત કિંમત રૂ. 58,500 હતી. આ ગુનામાં અન્ય આરોપીઓ પકડાઈ ગયા હતા, પરંતુ ટ્રક ડ્રાઇવર અબ્દુલ સત્તાર છેલ્લા 27 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો.
આરોપીનું જૂનું સરનામું શોધવામાં મુશ્કેલી પડતાં રાજુલા પોલીસે જૂના તપાસના કાગળોનો અભ્યાસ કરી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાની મતદાર યાદીઓની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આશરે 150 સમાન નામ ધરાવતા વ્યક્તિઓમાંથી આરોપી તથા તેના પિતાના નામ સાથે મેળ ખાતી વિગતો શોધવામાં આવી હતી. ત્યારબાદ ઉંમર, માતા-પિતાનાં નામ, ચૂંટણી ઓળખપત્ર અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. ટેકનિકલ વિશ્લેષણ અને આરોપીની પત્નીના નામે નોંધાયેલા મોબાઇલ નંબરના આધારે પણ તપાસને આગળ વધારવામાં આવી હતી. અંતે આરોપી મહારાષ્ટ્રના નાગપુરમાં હોવાની ચોક્કસ માહિતી મળતાં રાજુલા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી.
પોલીસ તપાસમાં આરોપી નાગપુર ખાતે બસ ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. રાજુલા પોલીસની ટીમે મુસાફર બની બસમાં બેસીને યુક્તિપૂર્વક આરોપીની ઓળખ અને હિલચાલ અંગે તપાસ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપીએ વર્ષ 1999માં સિમેન્ટની 600 બોરી રૂ. 20,000માં બારોબાર વેચી ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ આરોપીને રાજુલા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
