તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 28th July 2026
ભાવનગરમાં ‘રામદાસ આશ્રમ’ ગુરુદક્ષિણા અને સંસ્કારની અમર જ્યોત બની ઝળહળ્યો: ૧૯૫૧થી કામદાર પરિવાર દ્વારા ચાલતી અવિરત આધ્યાત્મિક સેવા
ગુરુચરણોમાં સમર્પિત સ્વ. ગુણવંતભાઈ કામદારે વર્ષ ૧૯૫૧માં પોતાના નિવાસસ્થાન "કુંદન કુંજ" ની સાથે જ આ આધ્યાત્મિક કેન્દ્ર "રામદાસ આશ્રમ" ની સ્થાપના કરી હતી.

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્યની પવિત્ર પરંપરા અને ગુરુદક્ષિણાનું અનન્ય મહાત્મ્ય રહેલું છે. આ ગુરુદક્ષિણાની જીવંત પરંપરાનું એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ ભાવનગરના હૃદયસમા સર પી.પી. રોડ પર સ્થિત "રામદાસ આશ્રમ" પૂરું પાડી રહ્યું છે. શહેરના જાણીતા મીઠાવાળા-કામદાર પરિવારના સ્વ. ગુણવંતરાય ત્રંબકલાલકામદાર અને તેમના પંપૂજ્ય ગુરુ શ્રી રામદાસ સ્વામી પ્રત્યેની અનન્ય ગુરુદક્ષિણાના પ્રતીકરૂપ આ આશ્રમ આજે પણ સદગુરુના સંસ્કારની જ્યોતને સતત પ્રજ્વલિત રાખી રહ્યો છે. ગુરુચરણોમાં સમર્પિત સ્વ. ગુણવંતભાઈ કામદારે વર્ષ ૧૯૫૧માં પોતાના નિવાસસ્થાન "કુંદન કુંજ" ની સાથે જ આ આધ્યાત્મિક કેન્દ્ર "રામદાસ આશ્રમ" ની સ્થાપના કરી હતી.
ભાવનગરના આ ઐતિહાસિક અને આધ્યાત્મિક ધામની વિશેષતા એ છે કે શહેરના મધ્ય ભાગમાં આવેલી વિશાળ જમીન પર પ હજાર ચોરસ ફૂટના બાંધકામ ધરાવતા આ હોલનો ઉપયોગ માત્ર અને માત્ર સંતો-મહંતોના ઉતારા તેમજ ધાર્મિક-આધ્યાત્મિક પ્રવચનો અને સંસ્કાર સિંચનના કાર્યક્રમો માટે જ કરવામાં આવે છે, જે વર્તમાન યુગમાં એક સીમાચિહ્નરૂપ બાબત ગણાય છે. આ આશ્રમના પવિત્ર પરિસરમાં પરમપૂજ્ય સદગુરુ રામદાસ સ્વામી, પૂ. આનંદમયી માતા, પૂ. લાલબાબા (કલકત્તા), પૂ. આધ્યાત્માનંદજી સ્વામી, પૂ. પગલાબાબા (વૃંદાવન) સહિત ચિન્મય મિશનના અગણિત સંતો-મહંતો અને મહાનુભાવોના પાવન ચરણરજ પડ્યા છે. દેશના અનેક નામી કથાકારો અને આધ્યાત્મિક ગુરુઓએ સાપ્તાહિક, પક્ષિક કે માસિક ધોરણે અહીં પોતાના જ્ઞાનની ગંગા વહાવીને ભાવનગરની ધર્મપ્રિય જનતાને કૃતાર્થ કરી છે.
શરૂઆતથી જ આ આશ્રમનું સંપૂર્ણ સંચાલન તન, મન અને ધનથી કામદાર પરિવાર દ્વારા જ સંભાળવામાં આવી રહ્યું છે. સ્વ. ગુણવંતરાય કામદારની પરંપરાને તેમના પુત્ર સંંતોષભાઈ કામદાર તથા પૌત્રો, પૌત્રીઓ અને પુત્રવધૂઓએ અત્યંત નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી છે. સ્વ. ગુણવંતભાઈના જ્યેષ્ઠ પુત્રી અને 'પૂજ્ય મોટી બહેન' તરીકે જાણીતા આધ્યાત્મિક નારીના દેહાવસાન બાદ, હાલમાં આ પવિત્ર સેવાયજ્ઞની ધુરા સંતોષભાઈ કામદારના પુત્રવધૂ શ્રીમતી રાધાબહેન ચેતનભાઈ કામદાર સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. સંસ્કાર, સેવા અને ગુરુભક્તિનો આ વારસો એક નારી દ્વારા આગવી પરંપરા સાથે જાળવી રાખવામાં આવી રહ્યો છે તે સમગ્ર નારી સમાજ માટે અત્યંત ગૌરવપ્રદ બાબત બની રહી છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
