તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
સુરેન્દ્રનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમનો મોટો ધમાકો: ₹3.32 કરોડના દારૂના કેસમાં ફરાર કુખ્યાત ગેડીયા ગેંગની મહિલા સાગરીત કમાલપરથી ઝડપાઈ!
ગુજસીટોક (GujCTOC) ગુનામાં સંડોવાયેલી બિલકિશબેન હનીફખાન સામે 4 પોલીસ મથકોમાં 12 ગુના નોંધાયેલા છે; કમાલપર બસ સ્ટેન્ડ પાસેથી ફિલ્મી ઢબે ધરપકડ કરાતાં બુટલેગરોમાં ફફડાટ

સુરેન્દ્રનગર : ગુજરાતમાં સંગઠિત ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા અસામાજિક તત્વો સામે પોલીસ પ્રશાસને લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવાના ભાગરૂપે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સ્પેકટ્રમ ટીમે એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આંતરજિલ્લા સ્તરે સક્રિય કુખ્યાત ગેડીયા ગેંગની સક્રિય મહિલા સાગરીતને દબોચી લેવામાં પોલીસને સફળતા સાંપડી છે. રેન્જ આઈજીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ રચાયેલી ખાસ ટીમે ચોક્કસ બાતમીના આધારે સચોટ ઓપરેશન પાર પાડીને આ વોન્ટેડ આરોપીને ઝડપી લીધી છે.
ઝડપાયેલી મહિલા આરોપી બિલકિશબેન હનીફખાન સામે બજાણા અને અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં નોંધાયેલા ₹3.32 કરોડના જંગી પ્રોહિબિશનના ગુનામાં સંડોવણી બહાર આવી હતી. પરપ્રાંતિય દારૂની મોટી હેરાફેરીના આ રેકેટમાં તે લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતી ફરતી હતી. બજાણા અને સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર ગુનાઓમાં તે સત્તાવાર રીતે વોન્ટેડ હતી. આ આંતરજિલ્લા નેટવર્કને તોડી પાડવા માટે રેન્જ આઈજીની સ્પેશિયલ ટીમ સતત ટેકનિકલ અને માનવ સોર્સના આધારે વોચ રાખી રહી હતી.
દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી કમાલપર નજીક આવી રહી છે, જેના આધારે કમાલપર બસ સ્ટેન્ડ પાસે ગોઠવેલી વોચ દરમિયાન પોલીસે ઘેરાબંધી કરીને વોન્ટેડ મહિલા આરોપી બિલકિશબેન હનીફખાનને ઝડપી લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં ગેડીયા ગેંગના અન્ય તાર અને વિગતો પણ બહાર આવી રહી છે. નોંધનીય છે કે આ આરોપી સામે સંગઠિત ગુનાખોરી વિરોધી કાયદા 'ગુજસીટોક' (GujCTOC) હેઠળ પણ કડક કાર્યવાહી થઈ ચૂકી છે. તેના નામે અગાઉ 4 અલગ અલગ પોલીસ મથકોમાં પ્રોહિબિશન અને છેતરપિંડી સહિત કુલ 12 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
